રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂૂપે રાજકોટ તાલુકાના મોટા મવા ગામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશની સૂચના અનુસાર તાલુકા મામલતદારની ટીમ દ્વારા સરકારી ખરાબાની જમીન પર થયેલા અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. અંદાજે રૂૂ.7 કરોડની કિંમતની જમીન પરના દબાણો દૂર કરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટ તાલુકાના મોટામવા ગામે આવેલા સરકારી ખરાબાના સર્વે નંબર 180 પૈકીની જમીનમાં રહેણાક હેતુસર અંદાજે 1000 ચોરસ મીટર વિસ્તારમાં અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું. સરકારી ખરાબાની જમીન પર થયેલા આ બાંધકામોને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશની સૂચના અને માર્ગદર્શન તાલુકા મામલતદારની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી તા. 17 નવેમ્બર, 2026ના રોજ હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પીજીવીસીએલની ટીમની હાજરીમાં જરૂૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પોલીસની સુરક્ષા વચ્ચે મામલતદારની ટીમે સરકારી જમીન પર થયેલા અનધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી.
