ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, સેવાસેતુના માધ્યમ થકી હવે સરકાર લોકોના દ્વારા જઈ રહી છે. સરકારી સેવાઓનો લાભ લોકોને ઘરે આંગણે મળે એ સેવાસેતુનો મૂળ હેતુ છે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, સેવાસેતુ એ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા સામાજિક ઝુંબેશ બને તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. ગામના પાણીની ટાંકીના કનેક્શન પ્રશ્નનો નિકાલ લાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ગામતળના પ્રશ્નનો ઉકેલ મહિનામાં આવી જશે એવી ખાતરી તેમણે આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગામની શાળામાં રમત-ગમતનું મેદાન વિકસાવવા માટે રૂૂ. 15 લાખની ગ્રાન્ટની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે સેવાસેતુમાં વિવિધ 13 વિભાગોની પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. જેનો મોટી મારડ ઉપરાંત ભાદા જાળિયા, નાની મારડ, નાગલખડા, હડમતીયા, ભાડેર, ચિચોડ, જમનાવાડ, પીપળીયા, કલાણા, છત્રાસા, પાટણવાવ, વાડોદર, ઉદકિયા, વેલારિયા ગામોના બહોળી સંખ્યામાં ઉમટેલા લોકોએ લાભ લીધો હતો.
ઉપરાંત મેડિકલ ચેક અપ કેમ્પમાં ઇ.એન.ટી નિષ્ણાત, સ્કિન નિષ્ણાત, ફિઝિશિયન, બાળ રોગ તથા સ્ત્રી રોગ નિષ્ણાત, જનરલ સર્જન, આંખના નિષ્ણાત, ઓર્થોપેડીક ડોક્ટર્સ દ્વારા તપાસ ઉપરાંત દવાઓ અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબહેન બાબરીયા, સહિત, વિવિધ અધિકારીઓ અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

