ગુજરાત
દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ અને ભારતના પ્રમુખ યાત્રાધામ દ્વારકામાં શનિવારે કારતક સુદ અષ્ટમીના શુભદિને જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા અનુસાર બાલકૃષ્ણએ માતા યશોદા પાસે તેમના અન્ય મિત્ર ગોપાલકોની જેમ ગાયો ચરાવવા જવા માટે અનુમતિ માંગતા માતા યશોદાએ આજના શુભ દિવસે સૌપ્રથમ વખત ભગવાન શ્રીકૃષ્ણને ગોવાળીયાના વસ્ત્રો પરિધાન કરાવીને જંગલમાં ગાયો ચરાવવાની અનુમતિ આપી હતી.
લોકવાયકા મુજબ ગાય માતા ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય હોય, અને તેઓ પણ તેમની પૂજા કરતા હોય, આરાધ્યની પણ આરાધ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય એવી ગૌમાતાને પણ ગોપાષ્ટમી દિને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે.
આ પ્રસંગે શનિવારે જગતમંદિરમાં શ્રીજીને બપોરે રાજભોગ સાથે વિશેષ અદકી ભોગ અર્પણ કરાયો હતો. આ દિવસે વારાદાર પુજારી પરિવાર દ્વારા ઠાકોરજીને ગોવાળીયાના ભાવનો શૃંગાર કરાવેલ જેમાં શ્રી મસ્તક ઉપર ગોવાળની પાઘડી, ખંભે કાંબડીનો ખેસ અને સુવર્ણની છડી ધારણ કરાવી ગોપાલ કૃષ્ણનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા.
દ્વારકાના જગતમંદિરમાં શનિવારે ગોપાષ્ટમી પર્વ નિમિત્તે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે શ્રીજીના ભાવિક પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો.
શનિવારના નીલા વાઘામાં વિશિષ્ટ શૃંગાર સાથેના ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂૂપ સાથેના અન્નકૂટ મહોત્સવનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભક્તો આ દિવ્ય દર્શનને નિહાળી ભાવવિભોર બન્યા હતા.
ગાય માતાની સવિશેષ પૂજાનું પર્વ
દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈ દ્વારા જણાવ્યા અનુસાર દર વર્ષે કારતક સુદ અષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભગવાનને ગોળાળિયા સ્વરૂૂપના વસ્ત્રો પરિધાન કરાવવાનો ભાવ વ્યકત કરવામાં આવે છે. ગાય માતાને સવારે સ્નાનાદિ બાદ ગંધ-પુષ્પાદિથી વિશેષ પૂજન અર્ચન કરી, લીલું ઘાસ તથા અન્ય ભોજન કરાવી તેમજ ગૌગ્રાસ અર્પણ કરી તેની પરિક્રમા કરીને ચરણરજ માથે ચડાવવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને વાસ્તુ દોષનો નાશ થાય છે. સાથે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાદ્રષ્ટિ પણે હંમેશા બની રહે છે.