ઈરાન પર અમેરિકાના હુમલાની શક્યતાના પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના ચાંદીના માર્કેેટમાં તેજી
વૈશ્ર્વિક પરિસ્થિતિ તેમજ ઈરાન ઉપર અમેરિકા હુમલો કરી શકે છે તેવા સમાચારોના પગલે સોનુ અને ચાંદી આજે પણ ઉછળ્યું છે. ગઈકાલે સોનામાં મોટો વધારો થયા બાદ આજે પણ સોના અને ચાંદી બન્નેમાં જોરદાર તેજી જોવા મળી છે. જેના પગલે બન્ને ધાતુના ભાવ ફરી એક વખત ઐતિહાસીક ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યા છે. સોનાની વાત કરીએ તો આજે 2500 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં 20,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
આજે માર્કેટ ખુલતાની સાથે જ એમસીએકસમાં સોનાનો ભાવ 1,61,350 અને ચાંદીનો ભાવ 3,76,270 જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ચાંદીમાં 1 લાખ રૂપિયાનો વધારો પ્રતિ કિલો એ નોંધાયો છે જ્યારે સોનામાં પણ પ્રતિ 100 ગ્રામે 1 લાખ રૂપિયા ઉપરનો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જીઓ પોલીટીકલ પરિસ્થિતિને કારણે તેમજ સેન્ટ્રલ બેંકની નવી ખરીદીના પગલે સોના ચાંદીની માર્કેટમાં આજે પણ તેજી જોવા મળી રહી છે.
એમસીએકસ પર આજે સોનુ 2.50 ટકા અને ચાંદી 5.72 ટકા વધતાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. આજના દિવસની જ વાત કરીએ તો સોનામાં 3570 રૂપિયા અને ચાંદીમાં 20,500નો વધારો નોંધાયો છે. રાજકોટનાં માર્કેટની વાત કરીએ તો સોનાનો હાજર ભાવ 1,68,350 પર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં સોનાનો ભાવ 1,68,410 જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો રાજકોટમાં ચાંદી 3,81,410ના ભાવ પર પહોંચી છે. જ્યારે ચાંદી ચોરસા 3,78,210 પર જોવા મળી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 5235 ડોલર સુધી પહોંચ્યું છે. એટલે કે માત્ર 48 કલાકમાં 240 ડોલરનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 115.50 ડોલરનો ભાવ જોવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં ચાંદી 48 ડોલરથી 115 ડોલર સુધી પહોંચી છે.

