ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી બસોનો મોહ છોડો: કાનાણી

સુરત શહેરમાંથી દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના પોતાના વતનમાં જતા લાખો મુસાફરો પાસેથી ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનફાવે તેવા ભાડા સામે ભારે…

સુરત શહેરમાંથી દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના પોતાના વતનમાં જતા લાખો મુસાફરો પાસેથી ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનફાવે તેવા ભાડા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ ગંભીર મુદ્દે વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ જાતે બસ સ્ટેન્ડ પરિસરમાં પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને મીડિયા સમક્ષ તીખી પ્રતિક્રિયા આપી હતી.તેમણે સ્પષ્ટપણે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તહેવારોની મોસમમાં મુસાફરોની થતી બેફામ લૂંટ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં અને આ મનમાની સામે હવે કડક નિયંત્રણ જરૂૂરી બન્યું છે.

ધારાસભ્ય કાનાણીએ ઉમેર્યું કે સુરતમાંથી દર વર્ષે ચારથી પાંચ દિવસમાં લાખો લોકો પરિવારો સાથે પોતાના વતને જવા નીકળે છે. આવા સમયે તેમને ખાનગી બસ સંચાલકો તરફથી ભાડા વધારા અંગેની અસંખ્ય ફરિયાદો મળી રહી છે.

તેમણે જણાવ્યું કે, દિવાળી સમયની અંદર, આપણા વતન આપણા ગામડે દિવાળી કરવા માટે કુટુંબ સાથે આપણે વતન જઈએ છીએ. ચાર પાંચ દિવસની અંદર લાખો લોકોને એકસાથે વતન જવાનું હોય છે. એવા સમયની અંદર ખાનગી બસોને જે ભાડા વધારાની ફરિયાદો આવી રહી છે, હું એવું ચોક્કસપણે માનું છું કે સરકારે આને કંટ્રોલ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ.

આ ખાનગી લૂંટને અટકાવવા માટેના પગલાં તરીકે સરકારે ઊભી કરેલી એસટી બસ વ્યવસ્થાની તેમણે સરાહના કરી હતી. કાનાણીએ જણાવ્યું કે, સરકારે આને કંટ્રોલ કરવા માટે જે બસોની વ્યવસ્થા કરી છે, એ ખૂબ સારી વ્યવસ્થા છે. સરકારે જેટલી બસો જોઈએ એટલી બસો મૂકી છે. તમામ નવી બસો છે, સુવિધાવાળી છે અને મુસાફરોને તમામ પ્રકારનો વીમો પણ મળે છે. આ ઉપરાંત મુસાફરો માટે ગ્રુપ બુકિંગની સરળ સુવિધા પણ શરૂૂ કરવામાં આવી છે, જેથી સોસાયટી કે ગામના લોકો સીધી જ બસ મેળવી શકે છે.

કુમાર કાનાણીએ લોકોને જાગૃત બની પ્રાઇવેટ બસોની લૂંટ સામે એક થવા અપીલ કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મારા ગામમાં મારે જવું હોય અને 50 લોકો હોય, હું બુકિંગ કરું તો જ્યાં કહું ત્યાં બસ લેવા આવે છે અને ગામમાં મૂકે છે, તો શા માટે આપણે પ્રાઇવેટ બસનો મોહ રાખીએ છીએ? આપણે સૌએ જાગૃત થઈને સરકારની સુવિધાનો ઉપયોગ કરીશું તો પ્રાઇવેટ બસો જે પોતાની મનમાની કરે છે એમાં 100 ટકા કંટ્રોલ થશે. આવો, સૌ ભેગા મળીને સરકારી બસ સેવાનો મહત્તમ લાભ લઈએ.