ગુજરાત
હત્યાનો ભોગ બનનાર હાર્મિશ ગજેરાના પરિવારને ન્યાય આપો
શાંત મનાતા રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસનો ખોફ રહ્યો ન હોય તેમ ગુનેગારો બેફામ બનતા જાય છે નજીવી બાબતમાં હત્યા, મારામારી જેવી ઘટના રોજિંદી બની ગય છે. તાજેતરમાં જ ખેડુત યુવાન હાર્મિશ ગજેરાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બધી બાબતોને લઈને આંતરરાષ્ટ્રીય કૃમિ સેનાના અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા અને મહામંત્રી ચિરાગ કાકડિયાએ પોલીસ કમિશનરને પત્ર પાઠવી સ્વ. હાર્મિશ ગજેરાને ન્યાય આપવા અને અસામાજીક તત્વો પર લગામ કસવા રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરની ઓળખ તેમના સાલસ અને સહદય શહેરીજનોને કારણે હંમેશા રંગીલા રાજકોટ તરીકે શાંત પ્રિય શહેરની રહી છે. તાજેતરમાં રાજકોટ શહેરની આ ઓળખને ગ્રહણલાગ્યું હોય તેમ શહેરમાં એક બાદ એક સામાન્ય બાબતમાં હત્યાના બનાવો સામે આવ્યા છે. દિપાવલી પર્વમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય માથાકુટમાં એક વ્યક્તિનું ખુન થયું અને તેના થોડા જ દિવસોમાં આ સિલસિલો આગળ વધ્યો છે. શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા જાણે કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ અસ્તિત્વ ન ધરાવતી હોય તેમ આમ નાગરિકો પર હિંસક હુમલાઓ કરવા કે ચપ્પુ કે છરી જેવા હથિયારો સાથે રાખીને ગમે તેને દમ દાટી આપવી સામાન્ય વાત બની ગયેલ છે. વ્યાજખોરોનો આતંક પણ ફરી વધી રહ્યો છે. શહેરમાં દારૂ પીધેલલ હાલતમાં બેફામ ડ્રાઈવીંગ કરીને આડેધડ વાહનો ચલાવી રાહદારીઓને નુક્શાન પહોચાડવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતાં જોવા મળે છે.
તાજેતરમાં રાજકોટ શઙેર સાવ સામાન્ય બોલાચાલીમાં રાજકોટના પાટીદાર સમાજના નિર્દોષ યુવાન સ્વ. હાર્મિશ ગજેરાને છરીના ઘા ઝીંકી ને તેની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી છે. હત્યાને અંજામ આપનાર શખ્સ ગુનાહિત માનસિકતા ધરાવે છે. અને અવાર નવાર ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. આવા અનેક ગંભીર પ્રકારના શારીરીક ગુનાઓને અંજામ આપવાની ટેવ ધરાવતા ગુનેગારો હાલ રાજકોટ શહેરમાં બેખૌફ ઘૂમી રહ્યા છે. ત્યારે સામાન્ય શહેરીજનો માટે અસાલમતીનો પ્રશ્ર્ન વિકટ બન્યો છે. આવા ગુનેગારોને ચિન્હિત કરી તેમના પર લગામ કરવામાં આવે તથા સ્વ. હાર્મિશ ગજેરાના ખુનના આરોપી સામે પોલીસ તંત્ર દ્વારા મજબુત ચાર્જશીટ ફાઈલ કરી તેને નમુના રુપે સજા થાય તે માટે આપના સ્તરેથી ખાસ મોનીટરીંગ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
રાજકોટ શહેરના તમામ સમાજના શાંતિ પ્રિય લોકો નિર્ભિક જીવન યાપન કરી શકે તે હેતુથી શહેરમાં ખાસ દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે તથા ગુનેગારો પર પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી આંતરાષ્ટ્રીય કુમિ સેનાનો આની સમક્ષ માંગ છે.