મોરબીમાં અકસ્માતનો ગોજારો બનાવ બન્યો હતો.જેમાં રમતા રમતા ગટરમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક આવેલ લક્ષ્ય સિરામિકમાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરિવારની રૂૂહીબેન બુદ્ધાસિંગ નામની એક વર્ષની બાળકી યુનિટની અંદર રમી રહી હતી.
ત્યારે રમતા રમતા કોઈ રીતે ગટરમાં પડી ગઈ હતી.જેથી ડૂબી જવાના લીધે તેને સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.જો કે ત્યાં સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત થયુ હતું અને પીએમ માટે બાળકીના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલા બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા વિજય કાંતિભાઈ મકવાણા નામના 32 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેણે હોસ્પિટલે અને પોલીસને જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પરમાર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.
જોકે બનાવના ખરા કારણ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
—

