Site icon Gujarat Mirror

શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો

શહેરમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી આરોપી મોઈન ઈમ્તીયાઝ ધાનાણી (ઉ.વ.રર)એ લગ્ન કરવાનો ઈન્કાર કરી સ્પષ્ટ કહી દીધું હતું કે મે તો તારો ઉપયોગ કરવા માટે જ તારી સાથે સંબંધ બાંધ્યો હતો, હું તારી સાથે લગ્ન કરીશ નહીં, તારે જે કરવું હોય તે કરી લેજે. આ વાત સાંભળી છેતરાઈ ગયાનો અહેસાસ થતાં યુવતીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 

માલવીયાનગર પોલીસે દૂષ્કર્મની ફરિયાદ નોંધી તે સાથે જ પીએસઆઈ એમ. જે. ધાધલ, રાઈટર મનુભાઈ વાળા અને અમરદિપસિંહ જાડેજાએ તત્કાળ આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે. ભોગ બનનાર યુવતીની ઉંમર ૨૫ વર્ષ આસપાસ છે. હાલ તે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ૨૦૨૨માં જ્યારે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતા આરોપી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ ૨૦૨૫ સુધી સાથે અભ્યાસ કર્યો હતો.

આ સમય દરમિયાન બંને અવાર-નવાર ફરવા જતા હતા. એક દિવસ આરોપીએ તેને કહ્યું કે તું મને બહુ જ ગમે છે, હું તારી સાથે લગ્ન કરીશ. ત્યાર પછી ૨૦૨૪ની સાલમાં તે નોકરી કરતી હતી ત્યાં આવી આરોપી તેને ટુ વ્હીલર પર બેસાડી કુવાડવા રોડ પર આવેલી હોટલમાં લઈ ગયો હતો. જયાં શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. પરંતુ તેણે ઈન્કાર કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવાના જ છે, તું મારી પર વિશ્વાસ રાખ. આ પછી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી તેને અવાર-નવાર બસ સ્ટેન્ડ પાછળ આવેલી જુદી જુદી હોટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધતો હતો.

છેલ્લે ગઈ તા.૧૪ જુલાઈના રોજ હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આરોપીને લગ્ન કરવાનું કહેતાં તેનો મોબાઈલ નંબર બ્લોકમાં નાખી દીધો હતો. જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. ગઈ તા.ર૦ના રોજ આરોપી તેને વિરાણી ચોકમાં મળ્યો હતો. તે વખતે કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા નથી, મને તારી સાથે કોઈ પ્રેમસંબંધ ન હતો. આ રીતે લગ્નનો ઈન્કાર કરી થાય તે કરી લેવાની ધમકી આપી જતો રહ્યો હતો. આખરે આ વાત તેણે માતાને કરી હતી. ગઈ તા.ર૧ના રોજ તે તેના માનેલા ભાઈને ત્યાં ગઈ હતી. જયાં લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. જેથી તેનો માનેલો ભાઈ હોસ્પિટલ લઈ ગયો હતો. જયાંથી સારવાર મુક્ત થયા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં આ રીતે લગ્નની લાલચે કહેવાતા પ્રેમીઓને સર્વસ્વ સોંપી દેતી યુવતીઓ માટે આ વધુ એક  વધુ એક લાલબત્તીરૂૂપ કિસ્સો છે.

Exit mobile version