ગુજરાત
રાજકોટ-ભાવનગર હાઇવે પર સીએનજી બાટલા ભરેલા ટેન્કરમાંથી ગેસ લીક, ધુમાડાના ગોટેગોટા
અમુક કલાકો માટે વાહન વ્યવહાર ડાઇર્વટ કરાયો હતો
રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસેથી પસાર થતી સીએનજી બાટલાની ભરેલા ક્ધટેઇનરમાંથી અચાનક જ ગેસ લીક થવા લાગતાં ધુમાડાના ગોટેગોટા છવાયા હતા અને તેના પગલે ગેસની તીવ્ર વાસ આસપાસમા ફેલાઇ જતાં પસાર થતા અન્ય વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી હતી અને તાબડતોબ ફાયરને જાણ કરવામાં આવી હતી તેમજ હાઇવેની એક તરફનો ભાગ બંધ કરી બીજા માર્ગ પરથી વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાયો હતો તેમજ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી સ્થિતિને કાબુમાં લીધી હતી.
રાજકોટ ભાવનગર હાઈવે રામમિલ પાસે સવારે બાટલાની ગાડીમાંથી ગેસ લીકેજ થતાં રોડ પર ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા ત્યારે વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો, જો કે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. જેથી તંત્રને હાશકારો થયો હતો. ઘટના સ્થળે જસદણની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી મોટી દુર્ઘટનાને ટાળી હતી. આટકોટ પોલીસ સ્ટેશન સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને એક સાઇડનો હાઇવે બંધ કર્યો હતો, જેના પગલે હાઇવે પર વાહનો લાઈનો લાગી હતી. નોંધનીય છે કે બે વર્ષ પહેલાં પણ આવી જ રીતે બળધોઈ પાસે ગેસના બાટલા ભરેલી ગાડી લીક થઇ હતી. વહેલી સવારે સીએનજી ગેસના બાટલા ભરેલા ક્ધટેઇનરમાંથી ગેસ લીક થવા લાગતાં તંત્રમાં દોડાદોડી થઇ પડી હતી, જો કે કોઇ મોટી દુર્ઘટના ન બનતાં તંત્રને હાશકારો થયો હતો.