જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરી

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દાગીનાની ચોરી કરતી અજાણી મહિલાઓની ગેંગ સક્રિય થઈ હોવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ભામટા મહિલાઓએ…

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દાગીનાની ચોરી કરતી અજાણી મહિલાઓની ગેંગ સક્રિય થઈ હોવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ભામટા મહિલાઓએ રોલેક્ષ રોડ પર આવેલી બે જાણીતી જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવીને કુલ ₹1,43,292 ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી છે. ખરીદી કરવાના બહાને દુકાનમાં પ્રવેશીને વેપારીઓની નજર ચૂકવી ઘરેણાં ચોરી જવાની આ બંને ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આજીડેમ પોલીસે બંને વેપારીઓની ફરિયાદના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરીની પ્રથમ ઘટના રોલેક્ષ રોડ પર એક્સીસ બેંકની સામે આવેલી ’દેવમ જ્વેલર્સ’ માં ગત તારીખ 3 ઓગસ્ટ 2026 ના રોજ સાંજે પોણા છ વાગ્યાના અરસામાં બની હતી.

દુકાનના ભાગીદાર ચિરાગભાઈ વલ્લભભાઈ રામાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બે અજાણી મહિલાઓ સોનાના દાગીના ખરીદવાના બહાને તેમની દુકાને આવી હતી. મહિલાઓએ નાકમાં પહેરવાની ચુંક, બાલી અને કાનની બુટ્ટીઓ જોવાનું શરૂૂ કર્યું હતું. વેપારી જ્યારે અલગ-અલગ ડિઝાઇન બતાવી રહ્યા હતા, ત્યારે આ મહિલાઓએ નજર ચૂકવીને 0.600 ગ્રામ વજનના સોનાના નાકના દાણા (નંગ-5), 0.880 ગ્રામ વજનની નાક-કાનની બાલી (નંગ-2) અને 5.365 ગ્રામ વજનની કાનમાં પહેરવાની બે જોડી બુટ્ટીઓ ચોરી લીધી હતી. આ તમામ દાગીનાની કુલ કિંમત ₹88,292 થાય છે. મહિલાઓ કંઈપણ લીધા વિના જતી રહ્યા બાદ વેપારીએ તપાસ કરતા ચોરીનો અહેસાસ થયો હતો અને સીસીટીવી ફૂટેજમાં એક મહિલા દાગીના ચોરતી સ્પષ્ટ જોવા મળી હતી.

ચોરીની બીજી ઘટના પણ આ જ રોડ પર લીલાવતી કોમ્યુનીટી હોલની સામે આવેલા ’વેરાઈ જવેલર્સ’ માં ગત તારીખ 19 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. દુકાનના માલિક કાર્તીકભાઈ રાજેશભાઈ વઘાસીયાએ પોલીસને જણાવ્યું કે, તે સમયે ત્રણ અજાણી મહિલાઓ સોનાની વીંટી, નાકની બાલી અને લેડીઝ ચેઈન ખરીદવા માટે આવી હતી. વેપારીએ ઘરેણાં બતાવ્યા બાદ મહિલાઓ વસ્તુ પસંદ નથી તેમ કહીને રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ માલસામાન પરત મુકતી વખતે ગળામાં પહેરવાનો 4 ગ્રામનો એક સોનાનો લેડીઝ ચેઈન ગાયબ જણાયો હતો, જેની કિંમત ₹55,000 છે. દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં પણ એક મહિલા નજર ચૂકવીને સોનાનો ચેઈન ચોરી કરતી નજરે પડી હતી.આ બંને ઘટનાઓ અંગે ગઈકાલે વેપારીઓએ આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચીને અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.