Site icon Gujarat Mirror

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં Smcના દરોડાના ખોટા મેસેજથી દોડધામ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અરજીનો કઈ રીતે ઝડપથી નિકાલ કરવો તે આર્થિક ગુના નિવારણ સેલને શીખવાડવા જતા વાતનું વતેસર થયું

ગાંધીનગરની ડીજીપી ઓફિસમાં આવેલી સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનો મેસેજ વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. ત્યારે આ બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આર્થિક ગુના નિવારણ શાખામાં અરજીનો ભરાવો થઇ જતા ડીજીપીએ મોનીટરીંગ સેલના ડીઆઇજીની નિર્લિપ્ત રાયને સુચના આપી હતી કે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને આ બાબતે કઇ રીતે ઝડપથી અરજીનો નિકાલ કરવો? તે અંગે એસએમસીના અનુભવી અધિકારીઓ દ્વારા કામગીરી શીખવવામાં આવે. જેથી ચાલી રહેલી આ કામગીરીને કોઇએ દરોડો સમજીને સોશિયલ મિડીયામાં ખોટા સમાચાર વાયરલ કર્યા હતા. જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જાગી હતી.

ગાંધીનગર ડીજીપી ઓફિસની બિલ્ડીંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા તેમની ઓફિસની બિલ્ડીંગમાં આવેલી સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખાની ઓફિસમાં ગુરૂૂવારે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરીને અનેક અરજીઓ અંગે તપાસ બાદ એક પીએસઆઇ સિસોદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા. જેના કારણે રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓથી માંડીને તમામ પોલીસ કર્મીઓ ચોંકી ઉઠયા હતા. સાથેસાથે ડીજીપી ઓફિસમાં બેસતા અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા.

ત્યારે આ બાબતે પુછતા સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે આર્થિક ગુના નિવારણ શાખામાં અરજીનો ભરાવો થઇ જવાના કારણે તપાસની કામગીરીનો સમય વધતો હતો. જેથી ડીજીપી વિકાસ સહાયે એસએમસીના કેટલાંક અધિકારીઓને આર્થિક ગુના નિવારણ શાખાની કચેરીમાં છેલ્લાં પાંચ થી છ દિવસ થોડા કલાકનો સમય કાઢીને અરજીની તપાસ યોગ્ય રીતે થાય અને ઝડપથી કામનું ભારણ ઓછુ થાય તે માટે મદદરૂૂપ થવા સુચના આપી હતી.

જે કામગીરી ચાલી રહી હતી. ત્યારે કેટલાંક લોકોએ દરોડાનો ખોટો મેસેજ સમજીને વાયરલ કર્યો હતો. બીજી તરફ આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઇ સિસોદીયાના સસ્પેન્ડ કર્યાના મેસેજ પણ ખોટી રીતે વાયરલ થયો હતો. પરંતુ, આ બાબતે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીએસઆઇ સિસોદીયા પાસે કેટલીક અરજીની તપાસ હતી. જે નિયત સમય બાદ પણ પૂર્ણ થઇ નહોતી. જેથી ડીજીપી વિકાસ સહાય દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Exit mobile version