રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં શાપર અને જેતપુરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ 14 શખસોની ધરપકડ કરી છે અને રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,02,680 નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડાની વિગત અનુસાર, પારડી ગામ નજીક આવેલી ભાર્ગવભાઈ નારણગીરી અપારનાથી ની ’શીવ પ્રોવિઝન સ્ટોર’ નામની દુકાનની પાછળના રૂમમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી દુકાનદાર ભાર્ગવભાઈ નારણગીરી અપારનાથી (ઉ.વ.20), નારણગીરી મોતીગીરી અપારનાથી (ઉ.વ.52), જયેશભાઈ ટપુભાઈ ઘરડુસીયા (ઉ.વ.45), હિતેશભાઈ વ્રજલાલભાઈ રાજાણી (ઉ.વ.52), ધ્રુવભાઈ અનીરૂદ્ધભાઈ કાકડીયા (ઉ.વ.28), નીકુંજભાઈ બાવાભાઇ પરસાણા (ઉ.વ.38) અને કિશોરભાઈ દોલતરામભાઈ વાઘવાણી (ઉ.વ.70) નામના 7 શખસોને જુગાર રમતા રોકડા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડા રૂ. 1,74,970 તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,91,870 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બીજા દરોડામાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલા જાગૃતિપરા શેરી નં. 5માં અનિલભાઈ કેશુભાઈ સોનરાતના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ સ્થળેથી અનિલભાઈ સોનરાત, જયદેવભાઈ કમલેશભાઈ મનાતર, અફજલભાઈ ઇકબાલભાઈ મોદન અને ખાલીદભાઈ યુશુફભાઈ લાખાણી નામના 4 શખસોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 4,890 કબજે કરવામાં આવ્યા હતા.
જ્યારે ત્રીજા દરોડામાં જેતપુર નવાગઢના સરધારપુર દરવાજા પાસે આવેલ ઉત્સવનગર શેરી નં-02 માં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હર્ષદભાઈ ઉર્ફે દિપેશ રમણીકભાઈ, પરેશભાઈ ડાયાભાઈ રૂપારેલીયા અને ચંદુભાઈ મગનભાઈ ગોંડલીયા નામના 3 શખસોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડા રૂ. 5,920 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસે આ ત્રણેય બનાવો અંગે સંબંધિત પોલીસ મથકોમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાયદાકીય તપાસ શરૂ કરી છે.
