ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં આવેલા DYSP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં ચાલતા જુગારકલબ પર રેન્જ IGની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 13 મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ હતી. સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને રેન્જ આઇજીની ટીમે સપાટો બોલાવ્યો હતો. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવતાં ગોંડલ સીટી બી ડિવિઝનના આખા સર્વેલન્સ સ્ટાફની રાજકોટ હેડ ક્વાર્ટરમાં તાત્કાલિક બદલી કરી છે. જ્યારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે.
પોલીસ તપાસ મુજબ, મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા પોતે ગોંડલ DYSP કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેણે પોતાની પત્ની સાથે મળી ઘરમાં જુગારધામ શરૂ કરી હતી. ભવનાથનગર, દત્તાત્રેય મંદિર પાસે રહેતા કોન્સ્ટેબલ ભગીરથસિંહના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 13 મહિલા આરોપીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવી હતી, જોકે, મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા હાજર મળી આવ્યા ન હતા. પોલીસે જુગારના પટમાંથી અને આરોપીઓ પાસેથી કુલ રૂૂપિયા 1,35,900 રોકડા કબ્જે કર્યા છે. આ કેસમાં પોલીસે કોન્સ્ટેબલ સહિત કુલ 14 આરોપીઓ સામે જુગારનો ગુનો નોંધાયો હતો.
ગોંડલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે જ ચાલતા આ હાઈપ્રોફાઈલ જુગારકલબ પર ખુદ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે સપાટો બોલાવ્યો હતો. રેન્જ આઈજીએ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા જ ગંભીર બેદરકારીને પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક અસરથી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના 6 પોલીસ કર્મચારીની રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાનો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મદનસિંહ ચૌહાણ, શક્તિસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ, મહિપાલસિંહ અને હિતેન્દ્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ કડક બદલીના હુકમથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે.

