ગુજરાત
દિવાળીમાં ચોરી, લૂંટ, સ્નેચિંગને રોકવા પોલીસનો ફુલપ્રૂફ એક્શન પ્લાન
બહાર ફરવા જવાના હોવ તો બિન્દાસ્ત જજો!,પોલીસ પેટ્રોલિંગ કરશે, ભીડભાડવાળા સ્થળો પર રહેશે બાજ નજર
ઘરફોડ ચોરી,ચીલઝડપ,પૈસાની લેવડ-દેવડમાં શું ધ્યાન રાખવું?,પેસેન્જર રિક્ષાઓનું સઘન ચેકિંગ કરાશે
જો તમે દિવાળીમાં બહાર ફરવા જવાના હોવ તો બિન્દાસ્ત જજો. કેમ કે દિવાળીમાં સુરક્ષાને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. ચોરી, લૂંટ, સ્નેચિંગને રોકવા રાજકોટ પોલીસે ફૂલપ્રુફ પ્લાન બનાવી લીધો છે.ભાંગફોડિયા પ્રવૃત્તિ કે કોમ્યુનલ બનાવો ન બને તે માટે તકેદારીના ભાગરૂૂપે સતત ફૂટ પેટ્રોલિંગ કરાશે. વાહન ચેકિંગના સમયમાં ફેરફાર કરી અલગ-અલગ સમયે અને અલગ-અલગ પોઈન્ટ ઉપર એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાશે.દરમિયાન રાજકોટ પોલીસે વાયદો કર્યો છે કે, બહાર ફરવા જાવ તો પોલીસને જાણ કરો જેથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાશે.રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ જણાવ્યું હતું કે,રાજકોટમાં સીસીટીવીથી લઈને સિક્યોરિટીને સ્ટેન્ડ ટુ સુધીનાં આયોજન કરાયા છે. પોલીસ સતત ખડેપગે રહીને શહેરીજનોના જાનમાલની સુરક્ષા કરવાનો પ્રયાસ કરશે.
દિવાળીમાં લોકો ફરવા જાય છે એટલે લગભગ આખું શહેર ખાલી હોય છે.આ સમયે ચોરીના બનાવો વધી જતા હોય છે.ત્યારે ખાસ સૂચન છે કે બહારગામ જાવ તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જેથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી શકાય.બેંક, આંગડિયા પેઢી, સોના ચાંદીની દુકાનો/શો રૂૂમ, નાણાકીય લેવડ-દેવડવાળાં સ્થળો તથા ખરીદી બજાર કે જ્યાં ભીડભાડ થતી હોય તેવાં સ્થળોએ પોલીસ સ્ટેશન ખાતેના તમામ મોટરસાઈલ, હોક બાઇક, મોબાઈલ વાહન,શી ટીમનો ઉપયોગ કરી રોજે- રોજ પેટ્રોલિંગ તેમજ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે.
મિલકત સંબંધી ગુના કરવાવાળા હિસ્ટ્રીશીટર/ એમ.સી.આર.કાર્ડવાળા તેમજ અગાઉ પાંચ વર્ષમાં મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા આરોપીઓની તપાસ કરાશે.
રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લૂંટ/ નજર ચૂકવી ચોરી અંગેના બનાવ ન બને તે માટે પેસેન્જર રિક્ષાઓનું સઘન ચેકિંગ કરાશે. દેશી-વિદેશી દારૂૂઓના અડ્ડા ઉપર સતત વોચ રાખી અને વેચાણ કરનારા બુટલેગરો સામે કાર્યવાહી કરાશે.ભીડભાડવાળા સ્થળો પર તેમજ અવાવરું જગ્યાઓ, ઝૂંપડપટ્ટી, સંવેદનશીલ વિસ્તારમાં ભાંગફોડિયા ઇસમો તેમજ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવશે. સમયાંતરે કોમ્બિંગ પણ કરાશે.
આગના બનાવ રોકવા ફટાકડા વેચાણના સ્થળે સતત ચકાસણી કરવામાં આવશે
આગજનીના બનાવ ન બને તેના માટે ફટાકડા વેચાણ/ગોડાઉનનાં સ્થળોએ ચેક કરી પરવાના મુજબનો જથ્થો રાખવામાં આવ્યો છે કે કેમ? તથા ફાયર સેફ્ટી અંગેના નિયમોનું પાલન થાય છે કે કેમ? તેની ચકાસણી કરાશે. પરવાના સિવાયના ફટાકડા વેચાણ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.
થાણા અધિકારીઓને ચોરી/લૂંટના આરોપીઓ સામે પાસા વોરંટ તૈયાર કરી જેલ ભેગા કરવા સૂચના
ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા વોરંટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. જેથી કરી આવા રીઢા ગુનેગારો તહેવાર દરમિયાન ફરી ચોરીના ગુનાને અંજામ આપી ન શકે. છેલ્લા 3 દિવસમાં છ રીઢા તસ્કરને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડને પણ નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ ખાસ વોચ રાખવા સૂચના આપવામાં આવી છે.
ધર્મેન્દ્ર રોડ,સોની બજાર અને ગુંદાવાડી સહિતની બજારોને 100 પોલીસ જવાનનું સુરક્ષા કવચ
રાજકોટની મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સોની બજાર, બંગાળી બજાર, કંસારા બજાર, ગુંદાવાડીનો અડધો ભાગ એ ડિવિઝન અને અડધો ભાગ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. આ જગ્યા ઉપર લોકો હાલ દિવાળીની ખરીદી કરવા જ આવતા હોય છે. ત્યારે 100 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ બનાવી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવા આયોજન કરવામાં આવ્યું છે.