Site icon Gujarat Mirror

દ્વારકા જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

ઢોલ નગારા શરણાઇના સુરના તાલે રાસ-ગરબાની રમઝટ: ભાવિકો કાળિયા ઠાકોર સન્મુંખ રંગે રંગાયા

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે ફુલડોલ ઉત્સવમાં જગતમંદિર જાણે રંગોથી રંગાઇ ગયુ હોય તેવા દ્રશ્યો જોવા મલ્યા હતા. જય રણછોડ જય દ્વારકાધીશ જય ધોષ ઉત્સાહ ઉમંગ સાથે ફુલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

જગતમંદિરમાં બોપરે બે વાગ્યે મંદિર ખુલતા ની સાથે માનવ મહેરામણ ઉમટી પડતા હૈયેહૈયુ દળાય તેટલી ભીડ ઉમટી હતી. મંદિર સંકુલમાં અબિલ ગુલાલની છોળો ઉડી હતી. કાળિયા ઠાકોર સંગ રંગે રમી ભાવિકો ભાવવિભોર બન્યા હતા. કૂષ્ણની કર્મભુમિ દ્વારકામાં વ્રજભુમીની હોળી જેવો જ માહોલ સર્જાયો હતો.

દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ નિમીતે વર્ષમાં માત્ર એકવાર બપોરનાં સમયે મંદિર ખુલ્લું રહે છે. ફુલડોલ ઉત્સવમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં બોપરે બે વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઠાકોરજીની ઢોલ નગારા શરણાઇના સુરો વચ્ચે વિશિષ્ટ વાજિંત્રોની સુરાવલિઓના સંગાથે મહાઆરતી યોજવામાં આવી હતી.
મહાઆરતી પછી કાળિયા ઠાકોર સંગ ચાંદીની પિચકારીમાં કેસુડાના કેસરી રંગના પાણીથી ફુલડોલ ઉત્સવ મનાવાનો ભાવ વ્યક્ત કર્યા બાદ શ્રીજીના હાથ લલાટે રંગ લગાવી તે અબિલ ગુલાલની પોટલીઓથી ભાવિકોમાં પ્રસાદી સમાન અબીલ ગુલાલની છોળો ઉડાડ્યા બાદ મંદિર પરીસરમાં ઉપસ્થિત ભાવિકો દ્વારા જય દ્વારકાધીશ, જય રણછોડના, જય ઠાકરના જયધોષ સાથે નાચી ઉઠી રાસ ગરબાની રમઝટ બે થી ત્રણ વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ ધામધુમથી ઉજવાયો હતો.

પરિસરમાં અબિલ ગુલાલની છોળો ઉઠતા ભાવિકો રંગાયા હતા. ઠાકોરજી સંગ રંગ રમવાનો આનંદ ઉઠાવ્યો હતો. સાથે ફરજ નિભાવતા પોલીસ સ્ટાફ પણ ફુલડોલ ઉત્સવમાં રંગોથી રંગાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફુલડોલ ઉત્સવ શાંતિ પૂર્ણ ઉજવાયો હતો.

Exit mobile version