ખેતમજૂર પરિવાર પાસેથી દંપતીએ ચેક અને એટીએમ મારફતે રૂપિયા પડાવી લીધા
જામકંડોરણામાં મકાન વેચાણના સોદામાં રૂૂ.25 લાખની છેતરપીંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લોન બાકી દંપતીએ લોન બાકી હોવાની હકીકત છુપાવી દસ્તાવેજ કરી આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યા છે.
મળતી વિગતો મુજબ જામકંડોરણા ખાતે રહેતા અને ખેતમજૂરી કરતા પ્રવીણભાઈ બચુભાઈ ધાનાણી નામના વ્યક્તિએ વિજયભાઈ યશવંતરાય ચંદવાણીયા અને તેમની પત્ની જાગૃતિબેન વિજયભાઈ ચંદવાણીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ મકાન વેચવાના બહાને ફરિયાદી તથા તેમના ભાઈના બેંક ખાતામાંથી અલગ-અલગ યુક્તિઓ અપનાવી કુલ રૂૂ. 25,26,116 ની જંગી રકમ પડાવી લીધી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જામકંડોરણાના ગોકુલધામ વિસ્તારમાં આવેલું દંપતીનું મકાન રૂૂ. 9,50,000 માં ખરીદવાનું નક્કી કર્યું હતું. અગાઉ બાયના પેટે રૂૂ. 2,00,000 આપ્યા બાદ, આરોપીઓએ વિશ્વાસમાં લઈને ફરિયાદી અને તેમના ભાઈના બેંક ઓફ બરોડા તથા આર.ડી.સી. બેંકના સહીવાળા ચેક મેળવી લીધા હતા. આ ઉપરાંત, એટીએમ કાર્ડ કઢાવીને અને પિન મેળવીને ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવી હતી. તપાસ કરતા આ મકાન ઉપર પીરામલ કેપિટલ એન્ડ હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડની લોન ચાલુ હોવાનું અને તેના રૂૂ. 5,50,000 ભરવાના બાકી હોવાનું બહાર આવ્યું હતું.
આ લોનની રકમ ચૂકવ્યા વગર અથવા તેની જાણ કર્યા વગર જ આરોપીઓએ મકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જ્યારે ભોગ બનનાર દ્વારા છેતરપિંડી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી ત્યારે આરોપીઓએ બાકી રકમ ચૂકવવાનો કરાર કરી ચેક આપ્યો હતો, જે પાછળથી બેંકમાં નાખતા ખાતું બંધ હોવાનું જણાયું હતું. આ મામલે વકીલ મારફતે નોટિસ આપી જામકંડોરણા કોર્ટમાં ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ પરત ખેંચવા માટે આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
