Site icon Gujarat Mirror

મુંજકામાં વીડિયો ઉતારવાની શંકાએ દંપતી પર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો

ગુજરાત મિરર રાજકોટ,તા.17
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ મુંજકા આર્ષ વિદ્યામંદિર પાસેના ટિટોડિયા વિસ્તારમાં વિડિયો ઉતારવા જેવી નજીવી બાબતે થયેલી શંકાએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. ગત તારીખ 16 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે પડોશમાં રહેતા શખ્સોએ એક દંપતી પર લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી સોનલબેન જયેશભાઈ હડિયલે નોંધાવેલી વિગતો મુજબ, બનાવની રાત્રે તેઓ અને તેમના પતિ જયેશભાઈ ઘરની બહાર હાજર હતા. તેમના ઘરની ઉપર રહેતા મયુરભાઈ નામના શખ્સે અવરજવરના રસ્તામાં ફર્નિચરનો સામાન રાખ્યો હતો. આ દરમિયાન જયેશભાઈએ પોતાનો મોબાઈલ ઘરની બહાર ચાર્જિંગમાં મૂક્યો હોવાથી મયુરભાઈને શંકા ગઈ હતી કે તેઓ તેમનો વિડિયો ઉતારી રહ્યા છે. આ બાબતે જયેશભાઈએ સ્પષ્ટતા કરી હોવા છતાં મયુરભાઈએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. થોડીવાર બાદ જ્યારે જયેશભાઈ પડોશી સાથે બહાર જઈ રહ્યા હતા ત્યારે મયુરભાઈ, જીતુભાઈ, મુનાભાઈ અને ગોપાલભાઈએ તેમને રોકી ગાળાગાળી કરી હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન આરોપી મયુરભાઈએ લાકડાનો ધોકો ઉપાડી જયેશભાઈને માર મારવાનો પ્રયત્ન કર્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડેલા સોનલબેન પર પણ મયુરભાઈએ ધોકા વડે હુમલો કરતા તેમને હોઠના ભાગે ગંભીર ચીરો પડી ગયો હતો અને લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ જયેશભાઈને પણ માથાના ભાગે ધોકાનો ફટકો મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીએ સોનલબેન અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઈજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એમ.એલ.સી રિપોર્ટ તૈયાર કરાયા બાદ પોલીસે સોનલબેનની ફરિયાદના આધારે મયુરભાઈ, જીતુભાઈ, મુનાભાઈ અને ગોપાલભાઈ વિરુદ્ધ કલમ 115(2), 118(1), 352, 351(3), 3(5) અને જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધ્યો છે.

Exit mobile version