જસદણમાં રવિવારની રજા માણવા ગયેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત

  અસહ્ય ગરમીના કારણે સગીર મિત્રો આલણ સાગર તળાવમાં ન્હાવા પડયા ને કાળ ખેંચી ગયો, કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળ્યા, સમગ્ર પંથકમાં અરેરાટી જસદણ તાલુકામાં…

 

અસહ્ય ગરમીના કારણે સગીર મિત્રો આલણ સાગર તળાવમાં ન્હાવા પડયા ને કાળ ખેંચી ગયો, કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળ્યા, સમગ્ર પંથકમાં અરેરાટી

જસદણ તાલુકામાં એક આઘાતજનક ઘટના બની હતી. જસદણ પાસે આવેલા બાખલવડ ગામના આલણ સાગર તળાવમાં રવિવારની રજા માણવા ગયેલા ચાર કિશોરોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાને પગલે સમગ્ર જસદણ પંથકમાં અને ખાસ કરીને મૃતક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારની રજા હોવાથી ચાર મિત્રો રમત-ગમતના મૂડમાં પોતાની સાયકલ લઈને ન્હાવા માટે ગામ પાસેના આલણ સાગર તળાવે ગયા હતા. કિશોરો આનંદ-પ્રમોદ સાથે પાણીમાં ઉતર્યા હતા, પરંતુ તેમને અંદાજ નહોતો કે આ તળાવના ઊંડા પાણી તેમના માટે કાળ સાબિત થશે. ન્હાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ચારેય બાળકો એકપછી એક ડૂબવા લફાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને તંત્ર દોડતું થયું હતું. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. શરૂૂઆતી તપાસ અને શોધખોળમાં ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ચોથા બાળકની શોધખોળ લાંબો સમય ચાલી હતી. અંતે ભારે જહેમત બાદ ચોથા કિશોરનો મૃતદેહ પણ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

તળાવના કિનારે પડી રહેલી સાયકલ અને બાળકોના કપડાં જોઈને સ્થળ પર પહોંચેલા પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. એકસાથે ચાર માસૂમોના મોતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ચારેય કિશોરો એક જ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે મૃતકોમાં રામુ ભાયા રાઠોડ (ઉંમર: 14 વર્ષ) કાળુ ભરત રાઠોડ (ઉંમર: 10 વર્ષ),રાજવીર સામત રાઠોડ (ઉંમર: 15 વર્ષ) અને કિશન મનસુખ રાઠોડ (ઉંમર: 15 વર્ષ) હોવાનું જાણવા મળ્યું હતું.

દુર્ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે મૃતક બાળકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને બનેલી ઘટના અંગે દુખ વ્યક્ત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.એકસાથે ચાર આશાસ્પદ બાળકોના મોતથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે. રવિવારનો દિવસ જે ખુશીઓ સાથે શરૂૂ થયો હતો, તેનો અંત આટલો દર્દનાક આવશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.