ગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પોકાર્યુ બંડ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનું એક નિવેદન કારડીયા રાજપૂત સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ નિવેદન કારડીયા રાજપૂત સમાજની શિક્ષણ…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનું એક નિવેદન કારડીયા રાજપૂત સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ નિવેદન કારડીયા રાજપૂત સમાજની શિક્ષણ ક્ષેત્રે કાર્યરત બે સંસ્થાઓ કોડીનારની કારડીયા રાજપૂત વિદ્યાથી ભુવન-KRVB અને સુરેન્દ્રનગરની ગુજરાત રાજપૂત કરિયર એકેડમી-GRCA દ્વારા સમાજમાં કથિત રીતે ઊભા થયેલા મતભેદો અને કાર્યશૈલી તરફ અંગુલી નિર્દેશ કરે છે. દીનુ બોઘા સોલંકીનો આરોપ છે કે સમાજના યુવાનો માટે કોડીનારમાં કારડીયા રાજપૂત વિદ્યાથી ભુવન શરૂૂ હતું, આમ છતાં સુરેન્દ્રનગરથી આવીને સમાજના GRCA ચલાવતા લોકોએ અહીં સેન્ટર શરૂૂ કર્યું અને સમાજના ભાગલા પાડ્યાં.

કોડીનારમાં 14 નવેમ્બરના રોજ કોડીનારમાં એક જ દિવસે ગુજરાત રાજપૂત કરિયર એકેડમી (GRCA ) અને કારડીયા રાજપૂત વિદ્યાથી ભુવન (KRVB ) દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બપોરના સમયે દક્ષિણામૂર્તિ વિસ્તારમાં GRCA નો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સાંજે બગીચા વિસ્તારમાં KRVB દ્વારા સર્વ સમાજ સિદ્ધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ સુરેન્દ્રનગરના કારડીયા રાજપૂત સમાજના આગેવાનો અને GRCA સાથે સંકળાયેલા લોકો પર નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સમાજમાં ભાગલા પાડવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓને અલગ પાડવા અને પોતાનું નામ મોટું કરવા માટે સંસ્થાઓ ચલાવતા હોવાના આરોપો લગાવ્યા હતા.

સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોડીનારમાં કારડીયા રાજપૂત વિદ્યાથી ભુવન (KRVB ) પહેલેથી જ કાર્યરત છે અને સમાજના યુવાનોને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમની સુવિધા મળી રહી છે. આમ છતાં સુરેન્દ્રનગરથી ગુજરાત રાજપૂત કરિયર એકેડમી-GRCA નું સેન્ટર કોડીનાર લાવવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ‘સુરેન્દ્રનગરમાં નહીં ચાલ્યું એટલે અહીં કોડીનારમાં સેન્ટર લઈ આવ્યા. અમારા તાલુકાને અમારી પોતાની જરૂૂરિયાત છે અને અમે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. અહીં KRVB સેન્ટર બરાબર ચાલે છે. માત્ર સમાજના ભાગલા પાડવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગલા પાડવા અને પોતાના નામ મોટા કરવા માટે કેટલાક લોકો સુરેન્દ્રનગરથી કોડીનારની બજારમાં વર્ષોથી હડિયાપાટી કરે છે. સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે આ વડીલો સત્તા અને પ્રભાવ ધરાવતા હતા ત્યારે ગુજરાત રાજપૂત કરિયર એકેડમી-GRCA સાથે સંકળાયેલા કેટલાક લોકો તેમની સાથે જોડાયેલા રહેતા હતા, પરંતુ હવે એ જ લોકો સમાજમાં રક્તશુદ્ધિની વાતો કરી રહ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અગાઉ આ વડીલો સાથે કામ કરતા સમયે આવા સવાલો કેમ ઊભા કરવામાં આવ્યા નહોતા?