ખંભાળિયા તાલુકામાં ચૂંટણી જંગ આવે ધીમે ધીમે જામતો જાય છે. ત્યારે ગઈકાલે બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને સ્પષ્ટ થયેલા ચૂંટણી ચિત્રમાં ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યના બંને પુત્રવધુઓ બિન હરીફ વિજેતા થવા પામ્યા છે.
ખંભાળિયા તાલુકા પંચાયતની લાલપરડા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન સંજયભાઈ ચાવડા અને ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં. 8 ના ભાજપના ઉમેદવાર સીમાબેન પ્રભાતભાઈ ચાવડાના હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા આ બંને મહિલાઓ બિનહરીફ વિજેતા બન્યા છે.
રેખાબેન ચાવડા અને સીમાબેન ચાવડા બંને મહિલાઓ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડા પરિવારના પુત્રવધુ છે. પ્રથમ વખત ચૂંટણીમાં ઊભેલા અને બિનહરીફ વિજેતા થતા આ બંને મહિલાઓને સૌ કોઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાની નિષ્ઠા અને તેમના દ્વારા કરવામાં આવેલા કામોને આજે પણ લોકો યાદ કરે છે. જેના ફળ સ્વરૂૂપે ચૂંટણીમાં પ્રથમ વખત ઉભા રહેલા તેમના પરિવારના આ બંને પુત્રવધુઓને બિન હરીફ બેઠકની ભેટ મળી છે.

