સાયકલોનિક સકર્યુલેશન સક્રિય થતાં છ જિલ્લાઓમાં માવઠાની આગાહી

ગુજરાતમાં એક તરફ ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો અકળામણ અનુભવી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની…

ગુજરાતમાં એક તરફ ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો અકળામણ અનુભવી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના દાહોદ, નર્મદા, તાપી તેમજ છોટા ઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાનમાં આવી રહેલા સતત પલટા વચ્ચે રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છના નલિયા ખાતે 20.3 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે નલિયા સહિતના સીમાડા વિસ્તારોમાં ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

બીજી તરફ દિવસ દરમિયાન આકરા તડકા અને ગરમીના કારણે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના સંકેતો મુજબ, રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી પડશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ગરમી અને વરસાદની ડબલ ઋતુના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.