Site icon Gujarat Mirror

75 વર્ષમાં પ્રથમ વખત સુમુલ ડેરીનું આખું બોર્ડ ઘરભેગું

ભાજપના જૂથોની આંતરિક લડાઇના કારણે કસ્ડોડ્યિન મૂકી દેવાયા

ભાજપ શાસિત સુરતની સહકારી સંસ્થા સુમુલ ડેરીની આખી બોડીને સરકારે ઘરભેગી કરી કસ્ડોડ્યિનની નિમણુક કરી દેતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી), સતત વિવાદોના વંટોળમાં ફસાઈ રહી છે. બે જૂથો વચ્ચેની આંતરિક લડાઈઓ અને વહીવટી અનિયમિતતાઓના આરોપોને કારણે રાજ્યના સહકાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

સુમુલ ડેરીના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, તમામ ડિરેક્ટરોને દૂર કરીને જોઇન્ટ રજિસ્ટ્રાર એચ.આર. પટેલની કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સુમુલના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન કરવામાં આવી છે, અને એચ.આર. પટેલે કસ્ટોડિયન તરીકેનો ચાર્જ સ્વીકારી લીધો છે. સુમુલ ડેરી, દૈનિક આશરે 14 લાખ લિટર દૂધની આવક ધરાવે છે, તે સુરત અને તાપી જિલ્લાના હજારો ખેડૂતો અને પશુપાલકોની આજીવિકાનો આધારસ્તંભ છે. જોકે, તાજેતરના વર્ષોમાં ડેરીમાં નાણાકીય ગેરરીતિઓ, દૂધની ખરીદીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અને વહીવટી નિર્ણયોમાં અનિયમિતતાઓના આરોપો ઉઠ્યા છે. ખાસ કરીને, ભાજપના બે જૂથો વચ્ચેની લડાઈએ સંસ્થાના સંચાલનને ખોરવી નાખ્યું છે, જેના પરિણામે રાજ્ય સરકારે આખુ બોર્ડ ઘરભેગુ કરી દીધું છે.

સુમુલ ડેરીના બોર્ડની મુદત, જે 2020થી 2025 સુધીની હતી, 9 ઓગસ્ટ, 2025ના રોજ સમાપ્ત થઈ. નવા બોર્ડની ચૂંટણી માટેની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને મોકલવામાં વિલંબ થયો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા અટકી પડી છે. આ સ્થિતિમાં, રાજ્યના સહકાર વિભાગે કસ્ટોડિયનની નિમણૂકનો નિર્ણય લીધો. આ નિર્ણયને આગામી ચૂંટણીઓને લઈને મહત્વનો ગણવામાં આવે છે, જે ડેરીના ભાવિ વહીવટને આકાર આપશે.

Exit mobile version