Sports
ફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલ
ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. હવે આવી જ ઘટના પ્રીમિયર લીગ ફૂટબોલ સ્ટાર માઈકલ એન્ટોનિયો સાથે બની છે. માઈકલ એન્ટોનિયોને એક ભયંકર કાર અકસ્માત થયો હતો, જેમાં તેની કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો અને તે ખરાબ રીતે ઘાયલ પણ થયો હતો.
શનિવાર 7 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા સ્ટાર માઈકલ એન્ટોનિયોની હાલત હાલમાં સ્થિર છે, તેમને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, માઈકલ એન્ટોનિયોની કાર એપિંગ ફોરેસ્ટની કિનારે કોપીસ રો ખાતે અકસ્માતનો ભોગ બની હતી. તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તે કારની અંદર ફસાઈ ગયો હતો. એન્ટોનિયો એક કલાકથી વધુ સમય સુધી કારમાં ફસાયેલો રહ્યો, ત્યારબાદ એક વ્યક્તિએ તેને જોયો અને તેની માહિતી હેલ્પલાઈન પર આપી. આ પછી તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.