રાવલ-શાહી-માલણ સહિતની નદીઓના પૂરે મચાવી તબાહી, અનેક ગામો પાણીમાં ડૂબ્યા, રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહાર ઠપ
સૈયદ રાજપરા બંદરે 10 બોટો ફંગોળાઇ, પાંચ માછીમારોને બચાવાયા, લોકોએ ધાબા ઉપર રાત વિતાવી, શાળાઓમાં રજા
મોનસૂનના પ્રથમ જ ધોધમાર વરસાદે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકામાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉના તાલુકામાં આશરે 13 ઈંચ અને ગીરગઢડા તાલુકામાં 6થી 8 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મધ્ય ગીરના જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે રાવલ, શાહી અને માલણ સહિતની નદીઓમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. પરિણામે અનેક ગામોમાં પાણી ઘૂસી જતાં લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે વરસાદના પગલે આજે શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.
ઉના અને દીવને પીવાનું પાણી પૂરું પાડતો રાવલ ડેમ પ્રથમ જ વરસાદમાં 70 ટકા સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે રાવલ ડેમના નીચાણવાળા 11 ગામોને એલર્ટ જાહેર કર્યું છે. ગ્રામજનોને નદીના પટમાં ન જવા, નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા અને બિનજરૂૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
ઉનાના સનખડા, ગાંગડા, ખત્રિવાડા, વ્યાજપુર, સૈયદ રાજપરા, ભાચા, નાઠેજ સહિતના અનેક ગામો માં વરસાદી પાણી અને નદીના પૂરનું પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા હતા. અનેક વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ઘરવખરી, અનાજ, કપડાં, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ પશુઓના ચારા સહિત લાખો રૂૂપિયાનું નુકસાન થયું છે. લોકો આખી રાત ઘરની અગાશી અને મકાનના ઉપરના માળે બેસીને પાણી ઓસરવાની રાહ જોતા રહ્યા હતા.સૌથી ગંભીર સ્થિતિ સનખડા ગાંગડા ગામમાં સર્જાઈ હતી. રાત્રે આશરે એક વાગ્યે ગામની નજીક આવેલી રૂૂપેણ નદીનો પાળો તૂટી જતાં નવા પ્લોટ વિસ્તાર અને ઊંટવાળા રોડ વિસ્તારમાં પૂરનું પાણી ધસી આવ્યું હતું.
થોડા જ સમયમાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આશરે 250 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રે તાત્કાલિકમામલતદાર કચેરી, તાલુકા પંચાયત,પોલીસવિભાગ, એસડીઆર એફ અને સ્થાનિક ટીમોને સ્થળ પર દોડી ગયા હતાં. રાતોરાત હાથ ધરાયેલી સંયુક્ત બચાવ કામગીરીમાં તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સીતારામ આશ્રમ ખાતે આશરે 115 લોકોને રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે અન્ય લોકો પોતાના સગાસંબંધીઓના ઘરે ખસેડાયા હતાસમયસર કરાયેલી કાર્યવાહીથી કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
રાવલ નદીમાં આવેલા ઘોડાપૂરે ગીરગઢડા તાલુકામાં પણ ભારે તારાજી સર્જી હતી. ધોકડવા નજીકનું ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. નિતલી ગામે નદી બે કાંઠે વહેતાં સામે કાંઠાના લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. સામતેર-પાતાપુર માર્ગ પરનું નાળું બેસી જતાં માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. અનેક સ્થળોએ પુલો પર ઝાડ અને કચરો ફસાઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્મશાનની છાપરી, કૂવાના ઇલેક્ટ્રિક મોટર અને વીજ વાયરો પણ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા.રાવલ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે માલણ નદી પણ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરતાં સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. દરિયામાં બાંધેલી 10 નાની-મોટી બોટો પૂરના પ્રવાહમાં ફંગોળાઈ ગઈ હતી. તેમાંથી બે બોટ ડૂબી જતાં પાંચ ખલાસીઓ દરિયામાં ફસાઈ ગયા હતા.મોડીરાત્રે સ્થાનિક તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ બાંભણીયા સહિત આગેવાનો, ગ્રામજનો અને બચાવ ટીમોએ જોખમ વચ્ચે કામગીરી કરીને તમામ ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે માછીમારોને લાખો રૂૂપિયાનું નુકસાન થયું છે.
ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર અનેક સ્થળોએ પાણી ફરી વળતાં કલાકો સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. સનખડા નજીક હાઈવે કિનારે આવેલી અનેક હોટલોમાં પાંચ ફૂટ સુધી પાણી ઘૂસી જતાં ફર્નિચર, રસોડાનો સામાન અને અન્યમાલસામાન ને ભારે નુકસાન થયું છેનાઠેજ સહિતના ગામોમાં ખેતરો માં પાણી ફરી વળતાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. ભડિયાદર ગામમાં તાજેતરમાં બનાવાયેલી ગટર યોજના પ્રથમ જ વરસાદમાં નિષ્ફળ સાબિત થતાં આશરે 200 જેટલા ઘરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.
રાવલ ડેમના ચાર દરવાજા ખોલાયા
ગીરના મધ્ય જંગલ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાવલ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની જળસપાટી સતત ઊંચી જતાં સિંચાઈ વિભાગ દ્વારા સાવચેતીના ભાગ રૂૂપે રાવલ ડેમના ચાર દરવાજા 0.914 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.ડેમના દરવાજા ખોલાતા રાવલ ડેમ હેઠળ આવતી નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવરજવર નહીં કરવા અપીલ કરવામાં આવી છે.
સૈયદ રાજપરા બંદરે 6 બોટોને નુકસાન
ઉના તાલુકામાં સતત વરસી રહેલા અતિશય વરસાદની અસર સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં પણ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે બંદર વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતાં થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ દરમિયાન બંદરે લાંગરેલી માછીમારીની બોટોના દોરડા તૂટી જતાં અંદાજે છ (6) જેટલી માછીમારી બોટો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનામાં બોટોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તાત્કાલિક સૈયદ રાજપરા બંદર ખાતે દોડી પહોંચ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ બાંભણીયા સાથે તેમણે સ્થળ પર જઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાણકારી મેળવવી હતી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઉછઋની ટીમ તેમજ પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમાર પણ સ્થળ પર પહોંચ્યા હતા.
