જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આગામી ચાર જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રાજકોટ ખાતે યોજાનારા ખેલ મહાકુંભના રાજ્યવ્યાપી શુભારંભનાના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની મીટીંગ યોજાઇ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ સાથે સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓને સમગ્ર કાર્યક્રમનું ચુસ્ત અને સુચારુ આયોજન કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં કલેકટરે કાર્યક્રમમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્મો તેમજ ખેલાડીઓના આવાગમન સહિતની વ્યવસ્થાની તંત્ર દ્વારા કરાઇ રહેલી તૈયારીઓની વિગતો મેળવી હતી. અને આ કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતા, સ્પોર્ટસ એસોસીએશન્સ તથા ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન પીવાનું પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ, લેસર શો, વગેરે અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ દિવ્યાંગો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થા ગોઠવવા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરનારા ખેલાડીઓનું બહુમાન કરવા અને મહત્તમ નાગરિકો આ કાર્યક્રમમાં સામેલ થાય તેવી વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો. આજે ગાંધીનગર ખાતેથી સચીવ આઈ.આર.વાળા તેમજ રમત ગમતના ઉચ્ચ અધિકારીઓ આજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતાં અને એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીના કાર્યકમ્રમની સમીક્ષા કરી હતી અને બપોર બાદ કાર્યક્રમ અંગે કલેકટર સાથે આ ઉચ્ચ અધિકારીઓ બેઠક યોજશે. જ્યાં સુધી મુખ્યમંત્રીનો કાર્યક્રમ પુર્ણ ન થઈ જાય ત્યા સુધી મુખ્ય સચિવ અને ઉચ્ચ અધિકારીઓનો રાજકોટ ખાતે જ ધામા નાખી દીધા છે.
નિવાસી અધિક કલેકટર આલોક ગૌતમે સંલગ્ન તમામ સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી જરૂૂરી વિગતો મેળવી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રા અને વી. પી. જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાંથી ખેલ મહાકુંભની સ્પર્ધાઓ માટે પોણા ત્રણ લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, અને આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર તથા આર.જે. આભા ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને રંગા રંગ બનાવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હણે, ડી.સી.પી. જગદીશ બંગારવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે. વસ્તાણી, નાયબ કલેક્ટર દિલીપસિંહ વાળા અને ઈશિતા મેર, પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર, ચાંદની પરમાર અને મહેક જૈન, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, મારવાડી-આત્મીય-આર.કે. યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, જીનિયસ શૈક્ષણિક સંકુલના ચેરમેન ડી.વી.મહેતા, સ્કાઉટ ગાઇડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તથા સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.