રાજકોટ નજીક આવેલા પડવલા ગામે બુધવારે સવારે ઘર પાસે રમી રહેલી 5 વર્ષની માસૂમ બાળકીને પાડોશમાં આવેલા કારખાનાના માલિકે પોતાની કારની હડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઘવાયેલી બાળકીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કર્યા વગર મૃત બાળકને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપતા સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકીની લાશ ફરી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ખાનગી હોસ્પિટલના બેદરકારીના કારણે બાળકીનો મૃતદેહ રઝળ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ પડવલામાં કંપનીમાં મજૂરી કામ કરતો શ્રમિક પરિવાર કંપનીની જ ઓરડીમાં રહે છે. બુધવારે સવારે તેમની 5 વર્ષની દીકરી આકૃતિ ધનરાજ કુમાર પોતાના નજીક હતી. આ જ સમયે બાજુના કારખાનામાંથી કારખાનેદાર પોતાની કાર લઈને બહાર નીકળી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે બાળકીને ઠોકરે લેતાં તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, કમનસીબે ટૂંકી સારવારના અંતે બાળકીએ દમ તોડી દીધો હતો. ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કર્યા વગર મૃત બાળકીને સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. જયા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીની લાશને ફરી ખાનગી હોસ્પિટલમાં મોકલી મૃત જાહેર કરવાની સુચના આપી હતી. ખાનગી હોસ્પિટલના બેદરકારીના કારણે બાળકીનો મૃતદેહ રઝળ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મુળ ઉત્તરપ્રદેશનો વતની છે અને હાલ પડવલા ગામે માધવ કાસ્ટીંગ નામના કારખાનામાં કામ કરે છે. કારખાનેદાર અનીલભાઇ મોટેરીયા પોતાની કાર લઇને નીકળતા રમી રહેલી બાળકી અડફેટે ચડી જતા મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે શાપર પોલીસે કાર ચાલક અનીલ લાલજીભાઇ મોટેરીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
