Site icon Gujarat Mirror

જમીન-મકાનના ધંધાર્થીને ધમકી આપી પાંચ શખ્સોએ ખંડણી માગી

મોણપરની જમીન વૃધ્ધે ભાણેજના નામે 16 લાખમાં ખરીદી રકમ ચૂકવી છતાં, જમીન વેચનારના દીકરાએ વધુ 25 લાખ પડાવ્યા

આરોપીએ વધુ નાણાની ઉઘરાણી કરી જીવતા નહીં રહેવા દઉં કહી ડબલ રકમની માગણી કરી પરિવારને પતાવી દેવાની ધમકી આપી

શહેરના રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે અમૃતા સોસાયટીમાં જતન એપાર્ટમેન્ટમાં રહેતાં જમીન લે વેંચના ધંધાર્થી વૃધ્ધ કાનજીભાઇ કલ્યાણજીભાઈ કાનકડ(ઉ.વ.64)એ જેતપુરના મોણપરના જોરુભાઈ મંગભાઈ ધાંધલ,અમરેલીના અંટાળિયાના ઉદયભાઈ ખુમાણ, નિલેશભાઈ ધાંધલ, વીરપુરનો અંકિત અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ જમીનના દસ્તાવેજ ઉપરાંતના રૂૂપિયા તમારે દેવાના છે તેમ કહી બળજબરીથી ખંડણીની ઉઘરાણી કરતાં વૃધ્ધે રૂૂપિયા ન દેતાં તેમના ઘરે આવી છરી કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.

કાનજીભાઇ કાનકડે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ખેતીની જમીન લે-વેંચનું કામ કરુ છું. તેણે વધુમાં જણાવ્યું છે કે વર્ષ 2014માં જેતપુરના મોણપર ગામે રેવન્યુ સર્વે નંબર 126ની કુલ જમીન પૈકી ક્ષેત્રફળ હેક્ટર 4.30.99 ચોરસ મીટર જીરાયત પ્રકારની ખેતીની જમીન મંગુભાઈ ધાધલ અને ગબરૂૂભાઇ ધાધલ (રહે. બંને મોણપર) પાસેથી રૂૂ.16 લાખમાં પોતાના સગા ભાણેજ રજનીકાંત કયાડા (રહે. પરબવાવડી તા. ભેંસાણ)ના નામે ખરીદી હતી. આ જમીન ખેતી કરવા લાયક ન હોઇ જેથી પડતર હતી અને આ જગ્યામાં ઘાસચારો ચરાવવા માટે મંગુભાઈ ધાધલનો દીકરો જોરૂૂભાઈ ધાધલ તેમની ભેંસ છૂટી મુકી દેતો હતો. આ બાબતે તેને કહેતાં તેણે કહ્યું હતું કે, ભલે તમે મારા બાપુજી પાસેથી આ જગ્યા વેચાતી લઈ લીધી હોય પરંતુ માલ ઢોર આ જગ્યામાં જ ચરવા આવશે અને આ જગ્યાની કિંમત ઉપરાંત તમારે વધારાના રૂૂપિયા 35 લાખ આપવા પડશે.

જે પૈકી કટકે કટકે જોરૂૂ ધાધલને આજ દિવસ સુધીમાં કુલ રૂૂપિયા 10.20 લાખ આપી દીધા હતા અને જમીનની દલાલી પેટે મુન્ના મોણપરવાળાને રૂૂપિયા 15 લાખ આપવાનું જોરૂૂભાઈ ધાધલે કહેતા જે દલાલી પેટે ફરિયાદીએ સ્કોર્પિયો કાર જેની કિંમત રૂૂપિયા 9 લાખ ગણી બાકીના છ લાખ રૂૂપિયા રોકડા ચૂકવી દીધા હતા. તેમ છતાં જોરૂૂ ધાધલ હજુ ડબલ રૂૂપિયાની માંગણી કરે છે.

દરમિયાન ગઈ તારીખ 8/1/2026 ના ફરિયાદી ઘરે હતા ત્યારે રાત્રિના જોરુ ધાધલના સાળા ઉદય ખુમાણનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જોરૂૂભાઈને પૈસા આપવાની કેમ ના પાડી જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારે કોઈ પૈસા દેવાના બાકી નથી અને મારે જે રૂૂપિયા જોરૂૂભાઈને ચૂકવવાના થતા હતા તે તમામ રૂૂપિયા મેં આપી દીધા છે જેની રસીદ પણ મારી પાસે છે જેથી આ ઉદયભાઇએ કહ્યું હતું કે, હું અને મારા બનેવી જોરૂૂભાઈ શનિવારે તમને મળવા રાજકોટ આવીશું ઘરે હાજર રહેજો. બાદમાં તા.10ના સાંજના પોણા સાત વાગ્યા આસપાસ ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે ઉદય ખુમાણનો ફરી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમે તમારા ઘર નીચે આવી ગયા છીએ તમને મળવું છે. જેથી કાનજીભાઇ કાનકડે એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ મિત્ર હેતુલ શાહનો ફ્લેટ હોય જેની ચાવી તેની પાસે હોવાથી તેઓ અહીં મળ્યા હતા. આ વખતે અહીં જોરૂૂભાઈ તેનો સાળો ઉદય તથા મોણપર ગામનો નિલેશ આવ્યા હતા અને તેની સાથે અંકિત તથા એક અજાણ્યો શખસ પણ હતો જે બંને નીચે ઊભા હતા જોરૂૂભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે મારો શું હિસાબ બાકી છે? મારો હિસાબ લાવો. જેથી કાનજીભાઇઅએ કહ્યું હતું કે કોઈ હિસાબ બાકી નથી તમામ રૂૂપિયા ચૂકવી આપ્યા છે.

આથી તેણે ઉશ્કેરાઇ જઇ બાકીના રૂૂપિયા તો તમારે આપવા જ પડશે નહીંતર કોઈને જીવતા નહીં રહેવા દઉં. આ પછી તેની સાથે આવેલા નિલેશે કહ્યું હતું કે હવે તમે જેટલા જમીનના રૂૂપિયા આપ્યા છે એના ડબલ રૂૂપિયા આપવા પડશે અને ઉદયે પણ ધમકી આપી હતી કે રૂૂપિયા તો આપવા જ પડશે નહીંતર મજા નહીં આવે. દરમિયાન ફ્લેટમાંથી બહાર જતી વેળાએ અંકિતે છરી કાઢી હતી અને ફરિયાદીને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે તમારી જમીન પર આવી જુઓ પતાવી દઈશું. આમ આરોપીઓ હિસાબના પૈસા દેવાના બાકી છે તેમ કહી ખોટી રીતે મોટી રકમની ખંડણીની ઉઘરાણી કરતા હોય અને પૈસા આપવાની ના પાડતા જમીન મકાનના ધંધાર્થી વૃધ્ધ તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયાએ ધમકી, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version