ગુજરાત

ગુજરાતના પાંચ IAS અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ

Published

on

મહારાષ્ટ્રની પૂજા ખેડકરના વિવાદ બાદ રાજ્ય સરકાર અચાનક એકશન મોડમાં, શંકાસ્પદ સર્ટિ. વાળા પાંચ ઉચ્ચ અધિકારીઓને રિ-મેડિકલ ટેસ્ટ કરાવવા સૂચના આપતાં અધિકારી વર્ગમાં ભારે ખળભળાટ


મહારાષ્ટ્રની તાલીમી આઈએએસ અધિકારી પૂજા ખેમકર બનાવટી દિવ્યાંગ સર્ટી.ના આધારે નોકરીએ લાગી ગયાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ગુજરાતમાં પણ પાંચ જેટલા આઈએએસ અધિકારી નકલી સર્ટિફીકેટના આધારે નોકરીએ લાગી ગયા હોવાની થયેલી ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ગુજરાતના શંકાસ્પદ સર્ટીફેકટના આધારે નોકરીએ લાગેલા પાંચ જેટલા આઈએએસ અધિકારીના ફરીથી મેડીકલ ટેસ્ટ લેવાનો આદેશ કરતાં આઈએએસ-આઈપીએસ લોબીમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે જે અધિકારીઓ નકલી દિવ્યાંગ કે અન્ય સર્ટીફીકેટના આધારે આઈએએસની ડિગ્રી મેળવી નોકરી ઉપર લાગી ગયા છે તેવા પાંચ જેટલા અધિકારીઓના અમદાવાદ સિવિલ હોસ્પિટલ અથવા તો એઈમ્સમાં ફરીથી મેડીકલ ટેસ્ટ કરાવવા સુચના આપી છે. જેના પગલે આગામી દિવસોમાં આ પાંચ શંકાસ્પદ અધિકારીઓના ફરીથી મેડીકલ ટેસ્ટ લેવામાં આવે તેવી શકયતા છે. જો કે હાલ આ અધિકારીઓને સમય આપવામાં આવ્યો છે ત્યારે કયા અધિકારી તાત્કાલીક મેડીકલ ટેસ્ટ કરાવી સરકારમાં સર્ટીફીકેટ રજુ કરે છે અને કયા અધિકારી મુદતો માંગી છટક બારી શોધે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.
ગુજરાતમાં ફરજ બજાવતાં આ પાંચ ઉચ્ચ અધિકારીઓ પૈકી એક આઈએએસ અધિકારી રાજ્યના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. જ્યારે એક મહિલા અધિકારી જિલ્લા કક્ષાએ ફરજ બજાવતાં હતાં પરંતુ પુજા ખેમકરનો વિવાદ સર્જાતા તેઓ શંકાસ્પદ રીતે લાંબી રજા ઉપર ઉતરી ગયા છે. આ સિવાય પણ ત્રણ આઈએએસ અધિકારીઓ અલગ અલગ સ્થળે વહીવટી તંત્રમાં ફરજ બજાવી રહ્યાં છે.


મહારાષ્ટ્રની તાલીમી આઈએએસ અધિકારી પૂજા ખેમકરનો વિવાદ સપાટી પર આવ્યા બાદ ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીઓના નામ જોગ ફરિયાદો થઈ હતી અને આ અધિકારીઓના દિવ્યાંગ સહિતના રજુ કરવામાં આવેલા સર્ટીફીકેટ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતાં. જો કે રાજ્ય સરકારે ત્વરીત કોઈ પ્રત્યાઘાત આપ્યો ન હતો. પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી કાર્યલય એકશનમાં આવ્યું છે અને આ પાંચ શંકાસ્પદ આઈએએસ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપી ફરીથી મેડીકલ ટેસ્ટ કરાવવા સુચના આપતાં આઈએએસ અને આઈપીએસ લોબીમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


આ પાંચ અધિકારીઓના કયારે અને કયાં મેડીકલ ટેસ્ટ કરવામાં આવે છે તે તરફ સમગ્ર ગુજરાતમાં અધિકારીઓની નજર મંડાયેલ છે. હાલ તો એવું માનવામાં આવે છે કે આ પાંચ આઈએએસ અધિકારીઓના અમદાવાદ મેડીકલ કોલેજ અથવા એઈમ્સમાં ફરીથી મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવે તેવી શકયતા છે. હાલ આ મામલે ભારે મૌન સેવવામાં આવી રહ્યું છે પરંતુ આગામી દિવસોેમાં મેડીકલ ટેસ્ટ બાદ મોટા ધડાકા થવાની શકયતા જાણકારો દર્શાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version