દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી, જુગારના અખાડાનો સંચાલક પાસામાં પુરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂૂ-જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ દારૂૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાયા…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂૂ-જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ દારૂૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત જુગારનો અખાડો ચલાવતા શખ્સ સામે પોલીસ તંત્રએ આકરી કાર્યવાહી કરી, પાસા તળે આ શખ્સને હવાલે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના કુરંગા રહેતા માયા ગોપાલ ધારાણી નામના 41 વર્ષના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. જુગારની બદીના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું હોય, આવા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા પાસા તળે કડક કાર્યવાહી કરવા એલસીબી પોલીસને સૂચના આપવામાં આવી હતી.

આને અનુલક્ષીને એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી દ્વારા ઉપરોક્ત આરોપી માયા ગોપાલ ધારાણીની પાસા દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવી હતી. જેનો અભ્યાસ કરી, જિલ્લા કલેકટર દ્વારા આવા તત્વો પર કડક અંકુશ આવે તેવા હકારાત્મક અભિગમ સાથે ઉપરોક્ત શખ્સના પાસા મંજૂર કર્યા હતા.

આ પછી એલ.સી.બી. પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તથા સ્ટાફે ઉપરોક્ત આરોપીને રાઉન્ડ અપ કરી, પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી. અને તેને બનાસકાંઠાની પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.