રાજકોટ જિલ્લામાં પ્રથમ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો ગોંડલ યાર્ડમાં પ્રારંભ

રાસાયણીક ખાતર અને દવા વગરના કૂદરતી શાકભાજી મળશે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડના સંયુક્ત ઉપક્રમે બસ સ્ટેશનની સામે આવેલા જુના માર્કેટ યાર્ડમાં…

રાસાયણીક ખાતર અને દવા વગરના કૂદરતી શાકભાજી મળશે

ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડના સંયુક્ત ઉપક્રમે બસ સ્ટેશનની સામે આવેલા જુના માર્કેટ યાર્ડમાં રૈયારાજ ખમણ સામે થડા નં. 68 ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ માર્કેટયાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનાં હસ્તે કરવાંમાં આવ્યો છે.

કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકો પોતાના ભોજનમાં ઝેરમુક્ત રાસાયણિક ખાતરો અને દવાઓ વગરનાં શાકભાજી અને ખાદ્ય ચીજવસ્તુઓ મેળવવા માંગે છે. ગોંડલ તાલુકાના ખેડૂતોએ ખૂબ મહેનત કરીને કોઈપણ પ્રકારના ફર્ટિલાઇઝર કે દવાના છાંટ્યા વગર શુદ્ધ પ્રાકૃતિક રીતે પાક તૈયાર કર્યો છે.

જેનો લાભ ખાસ કરીને શાકભાજી ખરીદ કરતી ગૃહિણીઓ ને મળતો થશે. આ થડા પર ખેડૂતો પોતાનો પાક સીધો વેચાણ માટે લાવી શકશે, જેથી ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ ખેતપેદાશો મળી રહેશે. માતા-બહેનોને માર્કેટયાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ કેન્દ્રમાંથી વધુમાં વધુ પ્રાકૃતિક શાકભાજીની ખરીદી કરે અને પોતાના રસોડામાં શુદ્ધ ભોજન અપનાવે. રાજ્ય સરકાર અને રાજ્યપાલના ઉદ્દેશ્ય મુજબ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રજાનું સ્વાસ્થ્ય સચવાય તે માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.