પાટણમાં યુપી સ્ટાઇલથી હુમલાના આરોપી ઉપર ફાયરિંગ

પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં 17 નવેમ્બરની વહેલી સવારે ફાયરિંગની એક ઘટના સામે આવી છે. કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને ’શ્રેય ફિટનેસ’ના માલિક…

પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં 17 નવેમ્બરની વહેલી સવારે ફાયરિંગની એક ઘટના સામે આવી છે. કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને ’શ્રેય ફિટનેસ’ના માલિક દલપતસિંહ ઠાકોર પર બાઇક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ હુમલામાં દલપતસિંહ ઠાકોરને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, હાસાપુર વિસ્તારમાં રોટલીયા હનુમાન મંદિર નજીક, આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલમાં દલપતસિંહ ઠાકોરનું ’શ્રેય ફિટનેસ’ (જીમ) આવેલું છે. વહેલી સવારે દલપતસિંહ ઠાકોર જીમ ખાતે આવ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે બુકાનીધારી શખસ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સવારે 6:05 વાગ્યાના અરસામાં એક બાઈક પર સવાર બે લોકો આવે છે અને શ્રેય ફિટનેસ’ની બહારથી 6 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થતાં જોવા મળે છે. પ્રાથમિક તબક્કે જમીન મામલે ચાલી રહેલા વિવાદમાં આ હુમલો કરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસ વડા, DySP પરેશ રેણુકા, LCB, SOG અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. FSLની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે.

DySP પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે બે ઈસમ બાઇક પર આવીને ફાયરિંગ કરીને ગયા હોવાની માહિતી મળી હતી. તાત્કાલિક પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એક વ્યક્તિને સાથે રાખીને પંચનામું કરી વિગતવાર તપાસ હાથ ધરાઈ છે. હુમલામાં કયું હથિયાર વપરાયું હતું, આરોપીઓ કોણ હતા અને તેમનો ખરેખર શું ઈરાદો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.