ગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલો

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના યુવાન ઉપર પોલીસ ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે જેતપુર તાલુકાના વાડાસડા ગામના પાટીયા પાસે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ગોંડલ તાલુકાના…

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના યુવાન ઉપર પોલીસ ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે જેતપુર તાલુકાના વાડાસડા ગામના પાટીયા પાસે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના રહેવાસી પ્રકાશભાઈ મુળજીભાઈ બગડા (ઉં.વ. 44) એ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પ્રકાશભાઈ અને તેમના ગામના આણંદભાઈ ભરવાડ મોટરસાયકલ જીજે 14-એએફ-4861) પર ગોંડલથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન લીલાખા ગામથી સુલતાનપુર જતા ભાદર નદીના પુલ નજીક વાડાસડાના પાટીયા પાસે આરોપી દીપકભાઈ વસ્તાભાઈ રબારી તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ આડું બાઇક રાખી તેમને રોક્યા હતા.

આરોપીઓએ ફરિયાદીને નીચે પછાડી દઈ લાકડીઓ વડે આડેધડ માર માર્યો હતો, ત્રણ વર્ષ પહેલાં ફરિયાદીના ભાઈએ આરોપી દીપક વિરૂૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી, જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીને જાતિસૂચક શબ્દો કહી હડધૂત કર્યા હતા અને ધમકી આપી હતી કે, “જો જૂની ફરિયાદ પાછી ખેંચી નહીં લે, તો જાનથી મારી નાખીશું.” આ ઉપરાંત ફરિયાદીના મોટરસાયકલને પણ લાકડીઓ મારીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ઘટના બાદ ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે જેતપુર તાલુકા પોલીસે દીપક વસ્તાભાઈ રબારી અને અન્ય ત્રણ શખ્સો વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રીજીતા સાંકળચંદ પટેલને સોંપી છે.