ગુજરાત
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગજનીની ઘટના
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગજનીની ઘટનાફટાકડાના કારણે આગ લાગવાથી ફાયર બ્રિગેડની ટીમે તમામ સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે લોકોએ મન ભરીને આતશબાજી કરીને આનંદ ઉઠાવ્યો હતો, પરંતુ ફટાકડાના કારણે 27 સ્થળોએ આગજની ની ઘટના બની હતી, અને જામનગર મહાનગરપાલિકાના ફાયર તંત્રને ભારે દોડધામ થઈ હતી. મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલા મેઈન ફાયર સ્ટેશન તેમજ જનતા ફાયર સ્ટેશન, અને બેડી ફાયર સ્ટેશનના ફાયર સ્ટાફ, ઉપરાંત દિવાળીને અનુલક્ષીને હંગામી ઊભા કરેલા દરબારગઢ, ખંભાળિયા ગેઇટ, પંપ હાઉસ અને ડી.કે.વી. સર્કલ સહિતના ચાર સ્થળોએ મુકાયેલા ફાયર ફાઈટર વગેરેની મદદથી જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય ની આગેવાનીમાં 70 જેટલા ફાયર સ્ટાફની મદદથી તમામ સ્થળોએ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. રાત્રિના 10.00 વાગ્યાથી લઈને વહેલી સવાર સુધી આગ બુજાવવાની કામગીરી ચાલુ રહી હતી, અને ફાયર તંત્ર સતત દોડતું રહ્યું હતું.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દિવાળીની રાત્રે ફટાકડા થી દાઝીને ત્રણ વ્યક્તિ દાખલ થઈ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોએ દિવાળીની રાતે ફટાકડા ફોડીને દિવાળીનું પર્વ મનાવ્યું હતું. જેમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ દાઝી ગઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જામનગરમાં જલાનીજાર વિસ્તારમાં રહેતો 13 વર્ષનો બાળક, કે જેના ઉપર સળગતો ફટાકડો પડતાં દાજી ગયો હોવાથી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઠેબા ગામના 23 વર્ષના યુવાન પર ફટાકડો પડવાથી ગાલના ભાગે દાજી ગયો છે, અને તેને પણ દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત દરેડ નો 45 વર્ષનો યુવાન પોતાના પુત્રને ફટાકડા ફોડાવી રહ્યો હતો, જે દરમિયાન પોતે દાજી ગયો હોવાથી તેને પણ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
દિવાળીના શપરમાં દિવસે ક્ષત્રિય યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગરમાં ગોકુલ નગર નજીક લક્ષ્મીનગર વિસ્તારમાં વાછરા દાદા ના મંદિર પાસે રહેતા કુલદીપસિંહ બળવંતસિંહ વાઢેર નામના 38 વર્ષના ક્ષત્રિય યુવાને દિવાળીના સપરમાં દિવસે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકની પત્ની આશાબા કુલદીપસિંહ વાઢેરે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. દવે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકે કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું છે, તે કારણ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.