Site icon Gujarat Mirror

MPમાં લાગેલી આગ છોટાઉદેપુરના વાઘ નજીક પહોંચી

સમગ્ર ડુંગર વિસ્તાર આગની ચપેટમાં, વન વિભાગની દોડધામ

ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ પર આવેલા છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગર પર ભીષણ આગ ફાટી નીકળતા કુદરતી સંપત્તિને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મધ્યપ્રદેશના વેલાર ગામેથી શરૂૂ થયેલી આ આગ પવનની દિશા સાથે સરહદ ઓળંગીને છોટાઉદેપુરના જંગલો સુધી પહોંચી ગઈ છે.

જેના કારણે કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાય છે.
મધ્યપ્રદેશના વેલાર ગામના જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું અને પડોશી રાજ્યમાંથી પ્રસરીને છોટાઉદેપુર તાલુકાના વાઘ સ્થળ ડુંગર સુધી પહોંચી ગઈ હતી. હાલ સમગ્ર ડુંગર વિસ્તાર આગની ચપેટમાં છે, જેના કારણે સ્થાનિક વન્યજીવો અને વનસ્પતિ સામે મોટું સંકટ ઊભું થયું છે.

જંગલમાં લાગેલી આ ભીષણ આગને કારણે વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને ઝેરી જીવજંતુઓ પોતાની જાન બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે. અત્યારે પાનખરની ઋતુ હોવાથી સૂકા પાંદડા અને લાકડાં બળતણમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. આગની ગરમી કિલોમીટરો દૂર સુધી અનુભવાઈ રહી છે.

આગની જાણ થતા જ છોટાઉદેપુર વન વિભાગના 25 જેટલા કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. જોકે, ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાથી ફાયર ફાઈટરના બંબા જંગલની અંદર સુધી પહોંચી શકતા નથી.
વનકર્મીઓ પરંપરાગત રીતે લીલા ઝાડના પાંદડાઓ અને ડાળીઓ વડે આગને કાબૂમાં લેવા મથામણ કરી રહ્યા છે, પરંતુ વિકરાળ જ્વાળાઓ સામે આ પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. રાત્રિના અંધકારમાં પહાડી વિસ્તારમાં કામગીરી કરવી વનકર્મીઓ માટે જોખમી બની રહી છે.

ધાર્મિક માન્યતાઓ અને બેદરકારીની આશંકા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજમાં હોળી પછીના તહેવારોમાં બાધા પૂરી કરવા માટે ઘણીવાર જંગલના અમુક હિસ્સામાં ’ધવ’ (આગ) લગાવવાની પરંપરા હોય છે, જે ક્યારેક આવા મોટા અકસ્માતોનું કારણ બને છે. જો વહેલી તકે આગ પર કાબૂ નહીં મેળવાય, તો જંગલના મોટા હિસ્સાની સાથે કિંમતી સાગ અને અન્ય વૃક્ષો રાખ થઈ જશે.

Exit mobile version