ગુજરાત
વેરાવળની ડાયમંડ ટોકીઝ પાછળ બંધ મકાનમાં આગ: જાનહાનિ ટળતા સૌને રાહત
વેરાવળના પોષ વિસ્તાર ગણાતા ડાયમંડ ટોકીઝ પાછળના ભાગે એક જુનવાણી બંધ મકાનમાં પ્લાસ્ટિકની વસ્તુના ગોડાઉનમાં મધ્યરાત્રીના અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા આડોશ પાડોશમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ આગની ઘટના અંગે હોમગાર્ડ જવાનોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
આ આગની ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળના ડાયમંડ ટોકીઝ પાછળના વિસ્તાર માં આવેલ ડોક્ટર મહેતાની હોસ્પિટલ તરીકે ઓળખાતા જુનવાણી મકાનમાં કે જ્યાં હાલ કોઈપણ વસવાટ કરતું નથી પરંતુ સ્વસ્તિક પ્લાસ્ટિક નામની દુકાનો પ્લાસ્ટિક સામાનનો ગોડાઉન આવેલો છે. જેમાં ઉપરના ભાગે જુનવાણી મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. ગતરાત્રિના અંદાજે ત્રણેક વાગ્યાના સુમારે આ મકાનમાં ઉપરના ભાગે આગ લાગી હોવાની જાણ રાત્રી ફરજ પરના હોમગાર્ડ જવાન રાકેશ મકવાણા અને આઈ.બી. તવાણીને થતા તાત્કાલિક વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
વેરાવળ ફાયર ફાઈટરનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ જુનવાણી ભારોટ પીઢિયા વાળું અને મકાનમાં લાકડાનો ભાગ વધારે હોવાથી આગ જ્યોત જોતામાં વિકરાળ બની હતી. આગના સ્થળે વીજ પુરવઠો ચાલુ જણાતા પ્રથમ વીજ પુરવઠો બન્ધ કરાવ્યા બાદ ફાયર ફાઈટરના સ્ટાફ દ્વારા ત્રણેક કલાકની જહેમત અને ત્રણ જેટલા ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને હોમગાર્ડ જવાનોની સમય સૂચકતા ના કારણે મોટી દુર્ઘટનાને ચોક્કસથી અટકાવી શકાય હતી.