ગુજરાત
સિવિલ હોસ્પિ.માં આગ લાગી, ફાયર સેફ્ટીનું સુરસુરિયું
ખરા સમયે જ સિસ્ટમે દગો દીધો, ત્રણ બાટલામાંથી બે બાટલા પણ ચાલ્યા નહીં, ફાયર બ્રિગેડે વોર્ડના કાચ તોડી આગ કાબૂમાં લીધી
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવવામાં આવ્યા હોવાના દાવાઓ વચ્ચે આજે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગના બીજા માળે એ.સી.માં આગ લાગતા આટલી વિશાળ સિવિલ હોસ્પિટલના ફાયર સેફ્ટી વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. અને ખરાસમયે જ ફાયર સેફ્ટી સિસ્ટમ કાન નહીં આવતા થોડો સમય માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, ફાયર બ્રિગેડ સ્ટાફે બિલ્ડીંગના કાચ તોડી ધુમાડો બહાર કાઢી આગ કાબુમાં લીધી હતી.
સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગના બીજા માળે આવેલા માનસિક રોગોના વિભાગમાં રૂમ નં. 25માં આજે સવારે 8:40 કલાકે એસીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગની ઘટના બાદ તુરત જ હોસ્પિટલમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી સિસ્ટમના સહારે આગ કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરાયા હતા અને ત્યાં ઉપલબ્ધ ત્રણ ફાયર એકસ્ટીંગ્યુસર (બાટલા) દ્વારા આગ ઓલવવા પ્રયાસ કરાયો હતો પરંતુ બે બાટલાના ખરા સમયે જ સુરસુરિયા થઈ ગયા હતા. જ્યારે એક બાટલો ચાલુ થતાં તુરંત જ ગેસ ખાલી થઈ ગયો હતો.
આ સિવાય ફાયર સિસ્ટમની પાઈપલાઈનો પણ વોર્ડમાં ઉપલબ્ધ છે. પરંતુ આ સમગ્ર સિસ્ટમ બંધ હોવાથી તાત્કાલીક ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી.
ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલીક ધસી જઈ વોર્ડની બારીઓના કાચ તોડી ધૂમાડા બહાર કાઢી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડ સ્ટાફે પણ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ હોવાનું નોંધ્યું હતું. હજુ ગઈકાલે જ ગાંધીનગરથી આવેલી ટીમ સ્ટાફને ફાયર સેફ્ટીની તાલિમ આપી હતી પરંતુ ફાયર સેફ્ટીના સાધનો જ બંધ હોવાથી સ્ટાફ પણ લાચાર બની ગયો હતો.
સદનશીબે મોટી દુર્ઘટના બની નથી પરંતુ આટલી વિશાળ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો બંધ હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે.