કંપની સામે ફોજદારી કાર્યવાહીમાં જેલની બદલે દંડ કરી શકાય : સુપ્રીમ

કોઈપણ કંપનીને જીવંત માનવીની જેમ ભૌતિક શરીર હોતું નથી જેથી તેને જેલમાં મોકલી શકાય નહીં, તેમજ મગજ ન હોવાથી તે ગુનાહિત ઇરાદો કે દૂષિત માનસિકતા…

કોઈપણ કંપનીને જીવંત માનવીની જેમ ભૌતિક શરીર હોતું નથી જેથી તેને જેલમાં મોકલી શકાય નહીં, તેમજ મગજ ન હોવાથી તે ગુનાહિત ઇરાદો કે દૂષિત માનસિકતા (ખયક્ષત છયફ) પણ ધરાવી શકતી નથી. તો શું આવી સ્થિતિમાં કોઈ કંપની સામે ફોજદારી કેસ ચલાવીને તેને દોષિત ઠેરવી શકાય? સુપ્રીમ કોર્ટે આ જટિલ અને મહત્ત્વપૂર્ણ કાનૂની સવાલનો ઉકેલ લાવતાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે, કંપની સામે ગુનાહિત કેસ ચલાવી શકાય છે અને તેને દોષિત પણ ઠેરવી શકાય છે.

જો કોઈ ગુનામાં ફરજિયાત કેદની જોગવાઈ હોય, તો પણ કંપની કાનૂની કાર્યવાહીમાંથી મુક્ત થઈ શકતી નથી; આવા સંજોગોમાં અદાલતો પોતાની ન્યાયિક વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને જેલવાસની સજાના સ્થાને કંપની પર દંડ ફટકારી શકે છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ ઐતિહાસિક આદેશ આપતા જણાવ્યું હતું કે, ભારતીય કાયદા હેઠળ કોર્પોરેટ સંસ્થાઓ સામે ફોજદારી કાર્યવાહીની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે.

અદાલતે અગાઉની બંધારણીય બેન્ચના ચુકાદાઓનો સંદર્ભ આપતા નોંધ્યું કે, જો કોઈ ગુનો સાબિત કરવા માટે ખયક્ષત છયફ (ગુનાહિત ઈરાદો) ની જરૂૂર હોય અથવા તેમાં જેલની ફરજિયાત જોગવાઈ હોય, તો પણ કંપનીને આપોઆપ છૂટ મળતી નથી. કાનૂની વ્યક્તિ (જ્યુરિસ્ટિક પર્સન) હોવાના કારણે કંપની સામે કાર્યવાહી માત્ર બે જ સંજોગોમાં ન થઈ શકે: પ્રથમ, જ્યાં કાયદામાં માત્ર અને માત્ર જેલની જ સજા હોય અને દંડનો કોઈ વિકલ્પ જ ન હોય, અથવા બીજું, જે ગુનો તેની પ્રકૃતિ મુજબ સંપૂર્ણપણે અંગત દૂષિત ઈરાદા સાથે જોડાયેલો હોય અને કોઈ કોર્પોરેશન દ્વારા તેનું આચરણ અશક્ય હોય. આ સિવાયના તમામ કેસોમાં કંપની ફોજદારી જવાબદારીમાંથી છટકી શકે નહીં.

આ સમગ્ર મામલો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ સપ્લાય કરવા સાથે જોડાયેલો છે. સીબીઆઈ (CBI) ના આરોપ મુજબ, BARCના એક અધિકારીએ કંપની સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું અને જરૂૂરિયાત કરતાં વધુ માત્રામાં તેમજ ઊંચા ભાવે દવાઓની ખરીદી કરી હતી. સીબીઆઈ દ્વારા કેસ નોંધાયા બાદ સનોફી કંપનીએ એ આધાર પર કેસને પડકાર્યો હતો કે કંપનીના કોઈ કર્મચારીને આરોપી બનાવવામાં આવ્યા નથી. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોર્પોરેટ સ્તરે ગુનાહિત ઈરાદો પ્રસ્થાપિત થઈ શકતો હોવાથી કંપની સામે કેસ ચાલુ રહેશે. આ સાથે ખંડપીઠે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે ભારતમાં કોર્પોરેટ ક્રિમિનલ લાયાબિલિટી (કોર્પોરેટ ફોજદારી જવાબદારી) અંગે એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત કાયદો ઘડવાની જરૂૂર છે, પરંતુ આ અધિકાર સંસદ અને ધારાસભાના અધિકારક્ષેત્રમાં આવે છે.