Site icon Gujarat Mirror

ઢેબર રોડ પર લગ્નપ્રસંગમાં માથાકૂટ: જૂની અદાવતમાં યુવાન પર હુમલો, ગાડીમાં તોડફોડ

રાજકોટ શહેરના ઢેબર રોડ પર રવિવારના રોજ ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. ધ્રોલથી પોતાના મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા આસીફભાઇ અબ્બાસભાઇ જસરાયા અને તેમના પરિવાર પર બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટના પાછળનું મુખ્ય કારણ ફરિયાદીના બનેવી સાજીદભાઇને અગાઉ અન્ય એક વ્યક્તિ સાથે થયેલી બોલાચાલી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બાબતે સમાધાન થઈ ગયું હોવા છતાં, તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો હતો.

બનાવની વિગતો મુજબ, ફરિયાદી આસીફભાઇ પોતાની ઈકો ગાડીમાં પત્ની અને અન્ય પરિચિતો સાથે લગ્નનું જમણવાર પતાવીને ધ્રોલ પરત ફરી રહ્યા હતા. સાંજે આશરે 4:30 વાગ્યે ઢેબર રોડ પર હનુમાનજીના મંદિર પાસે પહોંચતા જ એક્સેસ મોટરસાયકલ પર સવાર બે શખ્સોએ ગાડીને આંતરી હતી. મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખ્સે બેસબોલના ધોકા વડે ચાલુ ગાડીએ ઈકોના આગળના કાચ પર ફટકો મારી કાચ તોડી નાખ્યો હતો. આટલું જ નહીં, ગાડીમાં પાછળ બેઠેલા રમઝાનભાઈ નામના યુવાનને પણ હાથના ભાગે ધોકો મારતા તેમને લોહીલુહાણ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ગાળો આપી અને “આજે તો બચી ગયા છો, હવે પછી જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. બાદમાં તપાસ કરતા આ શખ્સો ઢેબર કોલોનીમાં રહેતા સમીર ઉર્ફે ભાણો રહીમભાઇ જામ અને મોસીન અનવરભાઇ હોવાનું ખૂલ્યું હતું.

ઇજાગ્રસ્ત રમઝાનને તાત્કાલિક કુંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ભક્તિનગર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 118(1), 352, 351(2), 324, 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઈ વિજયભાઇ લખમણભાઈ રાઠોડ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version