ગુજરાત
લીંબડી-ચુડામાં તહેવાર ટાણે અકસ્માતના પાંચ બનાવ, છનાં મોત: ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત
લીંબડી માતાજીના માંડવામાં મિત્ર સાથે ફોટોગ્રાફી કરવા આવતા હોમગાર્ડ જવાન સહિત બેનાં મોત
લીંબડી લીંબડી અને ચુડા તાલુકામાં તહેવાર ટાણે અકસ્માતના 5 બનાવ બન્યા હતા. જેમાં 2 મહિલા અને 4 પુરુષે જીવ ગુમાવ્યો હતો. 3 લોકો ઘાયલ થયા હતા. લીંબડી તાલુકાના શિયાણી ગામે તા.3 નવેમ્બરે સ્નાન કરવા જઈ રહેલા રમીલાબેન નટવરભાઈ સોયા ભૂલથી ખુલ્લા વીજ વાયરને સ્પર્શી ગયા હતા.
વીજ શોક લાગતા તેઓ ઢળી પડ્યા હતા. લીંબડી સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે જ દિવસે અકસ્માતનો બીજો બનાવ લીંબડી હાઈવે પર પાણશીણા ગામ નજીક બન્યો હતો. ટોકરાળા ગામના ભાવેશભાઈ કેહરભાઈ જાદવ અને ચેતનભાઈ જગદીશભાઈ જાદવ બાઈક લઈને ઝાંઝરકા જઈ રહ્યા હતા. તેમના બાઈકને કાર ચાલકે ટક્કર મારતાં બન્ને ઘાયલ થયા હતા. ઘાયલ અવસ્થામાં બન્નેને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં હાજર ડોક્ટરે ભાવેશભાઈ જાદવને મૃત જાહેર કર્યા હતા. તા.3 નવેમ્બરે લીંબડી ભોગાવો નદી નજીક રેલવે પુલ પાસે પાંદરી ગામની સીમમાં પાણશીણા ગામના 35 વર્ષીય નિખિલ હરૂૂભાઈ માધરે કોઈ અગમ્ય કારણોસર ભાવનગર-સુરેન્દ્રનગર મુસાફર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.
તે જ દિવસે અકસ્માતનો ચોથો બનાવ લીંબડી-રાજકોટ હાઈવે પર બન્યો હતો. વડોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર 43 વર્ષીય રાધાબેન કુમાદરાનું મૃત્યુ થયું હતું. તેમના પતિ રણછોડભાઈ કુમાદરાને હોસ્પિટલે ખસેડાયા હતા. તા.5 નવેમ્બરે ચુડા રેલવે સ્ટેશન નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. મુકેશભાઈ મકવાણા બાઈક લઈ લીંબડી માતાજીના માંડવામાં ફોટોગ્રાફી કરવા આવી રહ્યા હતા. હોમ ગાર્ડમાં ફરજ બજાવતા તેમના મિત્ર જનકભાઈ પરમારનો પોઈન્ટ રેલવે ફાટક નજીક હોવાથી તેઓ બાઈક ઉપર બેસી ગયા હતા. બન્ને મિત્રો લીંબડી તરફ આવી રહ્યા હતા.
રેલવે ફાટક નજીક ચુડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા જયકુમાર પટેલના મોટરસાયકલ સાથે તેમના બાઈકનો ટકરાવ થયો હતો. જેમાં મુકેશભાઈ અને જનકભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું જ્યારે જયકુમારને ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. ભાવેશભાઈ જાદવ રાધાબેન કુમાદરા મુકેશ મકવાણા રમીલાબેન સોયા જનકભાઈ પરમાર તહેવારોમાં થયેલા આ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા.