Site icon Gujarat Mirror

ગોળીબારનો ભોગ બનેલા મહિલા RFOનું મોત

48 દિવસની સારવાર બાદ દમ તોડ્યો, પતિએ જ કરાવ્યું હતું ફાયરિંગ

સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલાં મહિલા આર.એફ.ઓ. સોનલ સોલંકીનું આખરે 48 દિવસની સારવાર બાદ આજે સવારે મોત નીપજ્યું હતું. સુરતની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગત 9 ડિસેમ્બરના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા શખસો દ્વારા ગત 6-11-2025ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આ હુમલો બીજું કોઈ નહીં, પરંતુ સોનલ સોલંકીના આર.ટી.ઓ. પતિએ જ સોપારી આપીને કરાવ્યો હતો. પત્નીએ પતિને પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપ્યો તો પતિએ પત્નીને જ મોતને ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું. હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર જેલમાં છે.

હુમલા દરમિયાન ગોળી સોનલ સોલંકીના માથાના ભાગે વાગી હતી. ઘટના બાદ તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરીને તેમના માથામાંથી ગોળી તો કાઢી લેવામાં આવી હતી, પરંતુ ગોળીને કારણે મગજમાં થયેલું નુકસાન અતિગંભીર હતું. સર્જરી બાદ પણ તેમની સ્થિતિ ક્યારેય સામાન્ય થઈ શકી નહોતી, જેના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યાં હતાં.

સોનલ સોલંકીના નિધન સાથે જ હવે આ કેસમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ અને કડક બનશે. અત્યારસુધી પોલીસ દ્વારા ’હત્યાના પ્રયાસ’ હેઠળ તપાસ ચાલતી હતી, પરંતુ હવે સોનલબેનનું મોત થતાં પોલીસ આરોપી પતિ અને સંડોવાયેલા અન્ય શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ’હત્યા’ નો ગુનો દાખલ કરશે.

શું હતી સમગ્ર ઘટના?
અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલાં મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતાં પોલીસને જાણ કરાઈ હતી. કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં આરએફઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

Exit mobile version