Site icon Gujarat Mirror

CSKએ 14.20 કરોડમાં ખરીદેલા કાર્તિક શર્માની સફળતા પાછળ પિતાનો સંઘર્ષ

પિતાએ દુકાન વેચી, 27 લાખની લોન લઇ દીકરાની કેરિયર બનાવી

 

2026 ની હરાજી માં અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો, પરંતુ રાજસ્થાનના ભરતપુરના એક યુવા ક્રિકેટરની કહાનીએ સૌના દિલ જીતી લીધા છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ભરતપુરના આશાસ્પદ ખેલાડી કાર્તિક શર્મા ને પોતાની ટીમમાં સામેલ કરવા માટે રૂ. 14 કરોડ 20 લાખ ની જંગી બોલી લગાવી છે. એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા કાર્તિક માટે આ માત્ર એક રકમ નથી, પણ તેના પિતાના સંઘર્ષનું પરિણામ છે. કાર્તિકની સફળતા પાછળ તેના પિતા મનોજ શર્માનો ત્યાગ છુપાયેલો છે.

જિલ્લા ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા મુજબ, કાર્તિકની કારકિર્દી માટે તેના પિતાએ પોતાની દુકાન વેચી દીધી હતી. એટલું જ નહીં, દીકરાનું ક્રિકેટનું સપનું પૂરું કરવા માટે તેમણે માથે રૂ. 27 લાખની લોન લીધી હતી અને ટ્યુશન ભણાવીને ઘરનું ગુજરાન ચલાવ્યું હતું. આજે જ્યારે દીકરો કરોડોમાં વેચાયો છે, ત્યારે પિતાનું આ બલિદાન સાર્થક થયું છે. ક્રિકેટ ચાહકો અને એસોસિએશનના હોદ્દેદારોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કાર્તિક શર્મા ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની સિક્સર ફટકારવાની ક્ષમતા માટે જાણીતો છે. તેણે અંડર-19 અને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેને પ્રતિષ્ઠિત ’મથુરા દાસ મથુરા એવોર્ડ’ પણ મળ્યો છે. ક્રિકેટના જાણકારો અંદાજ લગાવી રહ્યા હતા કે તેને 6 થી 7 કરોડ મળશે, પરંતુ ધોનીની ટીમે રૂ. 14.20 કરોડ આપીને તેની પ્રતિભાનું સાચું મૂલ્ય ચૂકવ્યું છે.

Exit mobile version