Site icon Gujarat Mirror

કીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલો

રાજકોટના કીટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણીયા (ઉ.વ. 47) અને તેમના પડોશી નાનજીભાઈ કંટોસણીયા વચ્ચે કેબલ વાયર કાપવા જેવી નજીવી બાબતે છેલ્લા ઘણા સમયથી મનદુ:ખ ચાલી રહ્યું હતું. જીતુભાઈના પરિવારજનોના જણાવ્યા અનુસાર, પડોશી નાનજીભાઈ અને તેમનો પુત્ર આકાશ અવારનવાર જીતુભાઈના ઘરનો કેબલ વાયર કાપી નાખીને તેમને પરેશાન કરતા હતા. રવિવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ આરોપી આકાશે ફરી એકવાર કેબલનો વાયર કાપી નાખતા જીતુભાઈ આ બાબતે ફરિયાદ કરવા પડોશીના ઘરે ગયા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા આકાશે તીક્ષ્ણ છરી વડે જીતુભાઈના માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

ઘટનાની જાણ થતા જીતુભાઈના પત્નીએ તુરંત જ તેમના દિયર અજીતભાઈ ભીખુભાઈ કંટોણીયા (ઉ.વ. 45) ને ફોન કરીને જાણ કરી હતી. ભાઈ પર હુમલો થયો હોવાનું જાણી અજીતભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓ જ્યારે હુમલા અંગે પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે જ આરોપી આકાશે પાછળથી આવી અજીતભાઈની પીઠના ભાગે છરીનો ઝીંકી દીધો હતો. હુમલો કર્યા બાદ પિતા-પુત્ર બંને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને સગા ભાઈઓને તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણકારી મળતા જ પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત ભાઈઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ, કેબલ વાયર કાપવાની મામૂલી બાબતે પિતા-પુત્રએ સાથે મળીને આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ફરાર થયેલા આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version