માલધારીએ પુત્ર પરત નહીં સોંપતા પિતાએ હાથની નસ કાપી

શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામના પ્રૌઢે માલઢોર ચરાવતા પુત્રને અભ્યાસ અર્થે પરત માંગ્યો હતો. પરંતુ માલધારીએ પુત્ર પરત નહીં આપતા પિતાએ કાગદળીના પાટીયા પાસે…

શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામના પ્રૌઢે માલઢોર ચરાવતા પુત્રને અભ્યાસ અર્થે પરત માંગ્યો હતો. પરંતુ માલધારીએ પુત્ર પરત નહીં આપતા પિતાએ કાગદળીના પાટીયા પાસે પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાછકપર બેડી ગામે રહેતા રતીભાઇ દાનાભાઇ પરમાર નામના 45 વર્ષના પ્રૌઢ સવારના અગીયારેક વાગ્યાના અરસામા રસ્તામાં કાગદળી ગામના પાટીયા પાસે હતા ત્યારે પોતાની જાતે શરીર અને હાથમાં બ્લેડના કાપા મારી દીધા હતા. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં રતીભાઇ પરમારના પત્નીને સાત વર્ષ પહેલા કાળીપાટ પાસે એસટી બસ અડફેટે મોત નીપજ્યુ હતું. આર્થિક પરીસ્થિતિના કારણે 12 વર્ષના પુત્રને રતીભાઇ પરમારએ નવધણ ઉર્ફે ભુરા ભરવાડ સાથે માલઢોર ચરાવવા મોકલ્યો હતો. હાલ રતીભાઇ પરમારે પુત્રને અભ્યાસ કરાવવો હોવાથી પરત માંગણી કરી હતી. પરંતુ માલધારી નવધણ ઉર્ફે ભુરા ભરવાડે પુત્ર પરત નહીં આપતા રતીભાઇ પરમારે બ્લેડના કાપા મારી લીધા હોવાનું જાણવા મળ્યુ છે.