સમાજમાં હવસખોરો એટલી હદે બેફામ અને બેશરમ બન્યા છે કે તેઓ સંબંધો કે ઉંમરનો કોઈ જ લિહાજ રાખતા નથી. ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી એક એવો કમકમાટીભર્યો અને કલંકિત કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ માનવીનું લોહી ઉકળી ઉઠે! 46 વર્ષના એક નરાધમે, જે પોતે 15 વર્ષની દીકરીનો બાપ છે, તેણે માત્ર 14 વર્ષની માસૂમ અને મા-વિહોણી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી દીધી હતી. પાપ છુપાવવા મથતા આ શૈતાનનો ભાંડો ફૂટ્યો છે અને કાયદાના રક્ષકોએ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોમટા ગામે બાબુભાઈ પટેલની વાડી નવાગામના રાજેશ ઉર્ફે કાળુ વાગડિયા (ઉ.વ. 46) નામના શખ્સે ભાગમાં વાવવા રાખી હતી. વાડીમાં એક શ્રમિક પિતા-પુત્ર અને તેમની 14 વર્ષની માસૂમ દીકરી મજૂરી કામે આવતા હતા. હવસના આંધળા રાજેશે આ ગરીબ અને લાચાર સગીરાને નાસ્તા અને ભાગની લાલચ આપી, ફોસલાવીને તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમના પાપનું પરિણામ એ આવ્યું કે માસૂમ સગીરા ગર્ભવતી બની ગઈ.
જ્યારે આ હચમચાવી મુકનાર ઘટનાની જાણ પરિવારને થઈ, ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક પીડિત સગીરાને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાએ અધૂરા માસે એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુને બચાવવા કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે આ ફૂલ જેવા માસૂમ બાળકનું સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. એક હવસખોરની ભૂખે એક માસૂમ બાળકની બલિ લઈ લીધી.
આ ઘૃણાસ્પદ ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતાં જ પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર રાજેશ ઉર્ફે કાળુની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપી પરિણીત છે. અને તેને ખુદને 15 વર્ષની દીકરી છે! તેની પત્ની પણ હાલ રિસામણે છે. પોતાની દીકરીની ઉંમરની બાળકીની જિંદગી બરબાદ કરનાર આ શૈતાનને કડકમાં કડક સજા થાય તેવી લોકમાંગ ઊઠી છે. બનાવ ની તપાસ ઈંઙજ પ્રખર કુમાર અને રાઇટર મુકેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે. આ પીડાદાય બનાવમાં તાલુકા પોલીસની સંવેદનશીલતાએ સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પીડિત 14 વર્ષની સગીરાને જન્મ આપનારી માતા હયાત નથી. આવી કપરી અને આઘાતજનક સ્થિતિમાં, જ્યારે આ બાળકીને હૂંફ અને આશ્વાસનની સૌથી વધુ જરૂૂર હતી, ત્યારે તાલુકા પોલીસ મથકના બે મહિલા પોલીસકર્મી નયનાબેન મનુભાઈ સદાદિયા અને એકતાબેન કાગડિયા ભગવાનનું રૂૂપ બનીને આવ્યા.
આ બંને મહિલા પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં રાત-દિવસ જોયા વિના પીડિતાની સગી માતા બનીને અદભુત સેવાચાકરી કરી હતી. ખાખી વરદી પાછળ ધબકતા માતૃત્વના દર્શન કરાવીને આ બંને મહિલાઓએ સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર કાયદો નથી જાળવતી, પરંતુ ખરા અર્થમાં પ્રજાની સેવક અને રક્ષક છે. સગીરાના આંસુ લૂછવા અને તેને પારાવાર પીડામાંથી બહાર લાવવા માટે આ મહિલા પોલીસકર્મીઓએ જે માનવતા દાખવી છે, તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. સમગ્ર સમાજ અને પોલીસ બેડું આ બંને મહિલા કર્મીઓની ફરજપરસ્તી અને માતૃત્વને હૃદયપૂર્વક બિરદાવી રહ્યું છે.
