કાગવડના રિસોર્ટમાં પુત્રના જન્મદિવસે પિતાનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત

શનિવારે વહાલા સોયા પુત્રનો નવમો જન્મદિવસ અને રવિવારે પોતાની લગ્ન વર્ષગાંઠ હોવાથી ડબલ ખુશીઓ સાથે પિકનિક મનાવવા આવેલા અજય ભાણજી રાઠોડ માટે કાગવડ પાસેનો હેવન…

શનિવારે વહાલા સોયા પુત્રનો નવમો જન્મદિવસ અને રવિવારે પોતાની લગ્ન વર્ષગાંઠ હોવાથી ડબલ ખુશીઓ સાથે પિકનિક મનાવવા આવેલા અજય ભાણજી રાઠોડ માટે કાગવડ પાસેનો હેવન રિસોર્ટ કાળમુખો સાબિત થયો છે. બેવડા ઉત્સવની ઉજવણી વચ્ચે સ્વિમિંગ પૂલમાં ન્હાઈને બહાર નીકળતી વખતે અચાનક ચક્કર આવતા પૂલના કાંઠે જ ફસડાઈ પડેલા 33 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. હસતા-રમતા અને તહેવાર જેવો માહોલ માણતા પરિવાર પર અચાનક આભ ફાટતા આખો પંથક હિબકે ચડ્યો છે.

રિસોર્ટના સીસીટીવી ફૂટેજમાં આ હૃદયદ્રાવક ઘટના લાઈવ કેદ થઈ છે. અજયભાઈ તેમના 9 વર્ષના પુત્ર વિહાન સાથે પૂલમાં ન્હાઈને બહાર નીકળ્યા હતા. પુત્ર હજુ પાસે જ ઊભો હતો, ત્યાં જ અચાનક અજયભાઈને ચક્કર આવ્યા હોય તેમ તેઓ બેભાન થઈને સીધા પાણીમાં ઢળી પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર અન્ય પ્રવાસીઓ અને પરિવારજનોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાને પગલે લોકો તત્કાલ મદદે દોડી આવ્યા હતા અને અજયભાઈને પાણીમાંથી બહાર કાઢી શ્વાસોશ્વાસ ચાલુ કરવા માટે સીપીઆર (CPR) આપવાનો પ્રયાસ કર્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક વીરપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઓનલાઇન માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનના અકાળે નિધનથી પત્ની, માતા-પિતા અને નાના ભાઈ પર આભ ફાટ્યું છે. ત્યાં યુવાન પુત્રના મોતના સમાચારથી નવાગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોતના સચોટ કારણની તપાસ કરવા માટે મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રવિવારની આ રજા પરિવાર માટે કાયમી રૂૂદન બનીને રહી ગઈ છે.