Site icon Gujarat Mirror

ગોંડલમાં વૃધ્ધ પાસે મિલકતમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચે રૂા.1.56 કરોડ પડાવ્યા

ગોંડલની બેંક સોસાયટી વિસ્તારમાં રહેતા 88 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને મિલકતોમાં રોકાણ કરી ત્રણ-ચાર વર્ષમાં રકમ ડબલ કરી આપવાની લાલચ આપી રૂૂ. 1,56,65,000/- પડાવી લેવા અંગે રાજકોટના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી દયાળજીભાઈ દેવરાજભાઈ મકવાણા (ઉ.વ. 88) એ ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે સાત વર્ષ પહેલાં તેમના ઘરે રસોઈ બનાવવા આવતા કાજલબેનના પતિ રાજેશભાઈ સુરેશચંદ્ર શાહ રહે. રાજકોટ સાથે તેમની મિત્રતા થઈ હતી. રાજેશભાઈએ પોતાને મોટા મંત્રીઓ સાથે સંબંધ હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.

રાજેશભાઈ એ દયાળજીભાઇ ને એવી લાલચ આપી હતી કે જો તેઓ મિલકતોમાં રોકાણ કરશે તો મંત્રીઓ દ્વારા ત્રણ-ચાર વર્ષમાં તેમના નાણાં ડબલ કરી આપવામાં આવશે. વૃદ્ધે પોતાની આજીવન કમાણી, પ્લોટ વેચાણની રકમ, પ્રોવિડન્ટ ફંડ અને શેર વેચાણના નાણાં મળીને કુલ રૂૂ. 1,56,65,000/- વર્ષ 2018 થી 2022 દરમિયાન રાજેશભાઈ ને અલગ-અલગ 23 જેટલી મિલકતોમાં રોકાણ કરવા માટે આપ્યા હતા.

રાજેશભાઈ એ વૃદ્ધના પરિવારજનોને આ વ્યવહારની જાણ ન થાય તે માટે તેમનો એન્ડ્રોઈડ ફોન બંધ કરાવી સાદો મોબાઈલ ખરીદાવ્યો હતો, જેથી લોકેશન કે વાતચીત ટ્રેક ન થઈ શકે. જ્યારે વૃદ્ધે રોકાણના દસ્તાવેજો માંગ્યા ત્યારે આરોપી મંત્રીઓનું બહાનું કાઢી વાત ટાળતો હતો.

સમય મર્યાદા પૂર્ણ થતા દયાળજીભાઇ એ જ્યારે પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપી રાજેશભાઈએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. છેવટે છેતરાયા હોવાનો અહેસાસ થતા દયાળજીભાઈએ પોલીસનું શરણું લીધું હતુ. પોલીસે આરોપી રાજેશભાઈ સુરેશચંદ્ર શાહ વિરુદ્ધ ઇ.ગ.જ.જ. ની કલમ 173 અને આઈ.પી.સી. કલમ 420 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version