કંપની પાસેથી ઓછુ વળતર લેવાનું જ નથી : વકતાઓની સ્પષ્ટ વાત
મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂૂ કર્યું છે. જેના સમર્થનમાં આજે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રવાપરમાં ઈમરજન્સી મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવાથી જગ્યા પણ ટૂંકી પડી હતી. આ બેઠકમાં મનોજભાઈ પનારાએ મોરબીના લોકોને દરરોજ સાંજે જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ઉમટી પડવા હાંકલ કરી હતી.
મનોજભાઈ પનારાએ મિટિંગના જણાવ્યું કે હાલ 8 લાઈનના સર્વે ચાલુ છે. આગામી સમયમાં 18 લાઈન આવવાની છે. જેથી કોઈ ગામ બચી શકશે નહીં. બિલ્ડરથી માંડી સામાન્ય માણસને આનો ભોગ બનવું પડશે. રોકાણ જેટલા પૈસા પણ નહીં રહે. જેને જમીન લીધી હશે તે પણ આમાંથી નહિ બચે, જેને બાપ દાદાની જમીન છે તે પણ નહીં બચે. જો હવે જાગૃત ન થયા તો ઘર ઉપરથી લાઈન નીકળશે.
તેમણે જણાવ્યું કે આ આંદોલનમાં જો અત્યારે ન જીત્યા તો આવનારો સમય કપરો હશે. 10 વર્ષ પછી એવું થશે કે અદાણીને વિચાર આવશે કે ટંકારાની જમીન ફળદ્રુપ છે મારે ફલાણી વસ્તુ વાવવી છે. આખા તાલુકાની જમીન તેને આપી દેવી પડશે. આવી જ રીતે બીજી કંપની આવશે અને વાંકાનેર તાલુકાની બધી જમીન તેને આપી દેવી પડશે.
મનોજભાઈ પનારાના જણાવ્યા અનુસાર આ ખેડૂતોને વળતરના પૈસા સરકારને ચુકવવાના નથી, નેતાને કે અધિકારીને ચૂકવવાના નથી. વિશ્વની ટોચની પૈસાદાર કંપનીને ચૂકવવાના છે છતાં પણ કેમ ચૂકવવા રાજી નથી. આ કંપની એટલી પૈસાદાર છે કે વળતરની રકમ છે તે તેના માટે ખેતરમાંથી ધૂળનો ખોબો ભરાય એટલો જ થાય. વધુમાં આ લાઈનનો ટોટલ ખર્ચ છે તે અદાણીના એક વર્ષના નફામાંથી નીકળી જાય. છતાં દાદાગીરી કરે છે. પોલ આવ્યા બાદ જ્યારે તમે બિનખેતી માટે કંપની પાસે એનઓસી લેવા જશો, ત્યારે શ્વાનને હડકાવીને કાઢી મૂકે તેમ તમને કાઢી મુકશે. તેઓએ ઉમેર્યું કે એક પણ મોટા નેતાના ખેતરમાં પોલ આવ્યો નથી. સાચા અર્થમાં અંગ્રેજશાહી કેવી હતી તે જોવું હોય તો જેતપરની ઘટના જોવો. આ દાદાગીરી વાળી લોકશાહી છે.
તેમણે કહ્યું કે કંપની પાસેથી એક પોલના રૂૂ.2 કરોડથી ઓછા આપણે લેવાના જ નથી. નહિતર આંદોલન ચાલુ જ રાખવામાં આવશે. તેઓએ જેતપર ગામના લોકોની હિંમતને બિરદાવતા કહ્યું કે આંદોલનનો પાર્ટ-1 ફેઈલ થયો છતાં જેતપરના ખેડુતોએ એકલા હાથે પાર્ટ- 2 શરૂૂ કર્યો. વધુમાં તેઓએ કાંતિલાલ અમૃતિયાનું નામ લીધા વગર તેમના વિશે કહ્યું કે મંત્રી ગામના જ છે. તેને પણ એમ જ હોય કે મારા ગામના ખેડૂતને વધુ મળે, પણ અમુક મર્યાદા નડતી હોય છે.
મો2બીના લોકો સાંજે જ્યાં ત્યાં પાનના ગલ્લે કે સોસાયટીમાં ગપ્પા મારવા કે ટીવી જોવાને બદલે દરરોજ જેતપર ગામે ઉમટી પડે. ત્યાં છાવણીમાં બેસે. આ લડાઈ સૌથી ધનવાન વ્યક્તિ સામેની છે. જેતપર ગામને આ લડાઈમાં દરેક ખેડૂતનો દીકરો સહયોગ આપે. મિટિંગ પૂર્ણ થયા બાદ સ્થળ ઉપરથી ખેડૂતોના સમર્થનના બેનરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મનોજભાઈ પનારાએ આ બેનર દરેક લોકોને સોસાયટીના નાકે, દુકાનની ઉપર, ઘરની ઉપર લગાવવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બેનરમાં કોઈ વ્યક્તિનું નામ નથી, જેમાં ખેડૂત આંદોલનને સમર્થન આપીએ છીએ તેવું લખવામાં આવ્યું છે.
એક ખેડૂતની તબિયત લથડી
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજલાઈનના યોગ્ય વળતર સહિતના પોતાના હકો માટે ચલાવવામાં આવી રહેલા આંદોલને હવે વધુ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો દ્વારા શરૂૂ કરવામાં આવેલ પ્રતીક ઉપવાસ બાદ ગુરુવારથી ખેડૂત આંદોલન પાર્ટ-2 શરૂૂ કરવામાં આવ્યું છે. આ લડતમાં ખેડૂતો અન્નનો સંપૂર્ણ ત્યાગ કરી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ ઉપવાસ આંદોલનના બીજા દિવસે એક ખેડૂતની તબિયત લથડી હતી. આમરણાંત ઉપવાસના બીજા દિવસે આંદોલનકારી રામજીભાઈ નાનજીભાઈ ભાડજાની તબિયત લથડી હતી. તેમની તબિયત વધુ બગડતા તેઓને તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખેડૂતની તબિયત લથડતા આંદોલન છાવણી અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
