મહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાં

રાજકોટના મહીકા ગામના સીમ વિસ્તારમાં ખેડૂતો પાસે ઈનામી ડ્રો ના કુપન સ્ક્રેચ કરાવી બળજબરીપૂર્વક પૈસા પડાવતી એક શાતિર ટોળકીનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ…

રાજકોટના મહીકા ગામના સીમ વિસ્તારમાં ખેડૂતો પાસે ઈનામી ડ્રો ના કુપન સ્ક્રેચ કરાવી બળજબરીપૂર્વક પૈસા પડાવતી એક શાતિર ટોળકીનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ દ્વારા બે અલગ-અલગ ખેડૂતોને નિશાન બનાવી એક પાસેથી રૂૂ. 22,500 પડાવી લેવાયા હતા, જ્યારે અન્ય એક ખેડૂત પાસેથી પણ હજારો રૂૂપિયા પડાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટના અંગે આજીડેમ પોલીસ મથકમાં બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા બાદ, મામલાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન તપાસ હાથ ધરીને ચાર શખ્સોને સકંજામાં લીધા છે અને તેમની પૂછપરછ શરૂૂ કરી છે.

આ ચકચારી બનાવની વિગત મુજબ, પ્રથમ ઘટનામાં મહિકા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં 52 વર્ષીય પ્રૌઢ ધીરુભાઇ ગોબરભાઇ મોલીયાએ અજાણ્યા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 6 ના રોજ સવારે તેઓ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં એક ઈકો ગાડી આવીને ઊભી રહી હતી. ગાડીમાંથી ઉતરેલા ત્રણ શખ્સોએ પાણી પીવાના બહાને વાડીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આ શખ્સોએ ધીરુભાઈને ડ્રો ના કુપન બતાવીને એક કુપનની કિંમત 30 રૂૂપિયા હોવાનું કહી સ્ક્રેચ કરવા દબાણ કર્યું હતું.

ફરિયાદીએ ના પાડવા છતાં આરોપીઓએ તેમનો હાથ અડાડી કુપન સ્ક્રેચ કરાવી દીધું હતું અને ‘મિક્સર’ લાગ્યું છે તેમ કહી બીજા કુપન સ્ક્રેચ કરવા દબાણ કર્યું હતું. ધીરુભાઈએ મક્કમતાથી ના પાડતાં આરોપીઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ત્રણ જણાએ તેમને પકડી રાખી ખિસ્સામાંથી રૂૂ. 4 હજાર રોકડા બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. એટલું જ નહીં, બાકીના પૈસા મંગાવવા દબાણ કરતાં પ્રૌઢે તેમના ભાઈ દિનેશભાઈ (વિકાસ ડેરી, 80 ફૂટ રોડ) ને ફોન કરીને રૂૂ. 18,500 મંગાવ્યા હતા, જે આરોપીઓના માણસો ડેરીએ જઈને લઈ આવ્યા હતા. આમ, કુલ રૂૂ. 22,500 પડાવીને આરોપીઓ ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક સગડી, કુકર અને પંખો ત્યાં જ નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.

આ જ પ્રકારનો બીજો બનાવ મહિકા ગામના નવા રીંગ રોડ પાસે બન્યો હતો, જેમાં 56 વર્ષીય ખેડૂત રમેશભાઈ શામજીભાઇ મોલીયા ભોગ બન્યા હતા. તેઓ સવારના સમયે પોતાની વાડીએ હતા ત્યારે હાઇવે પર એક ઇકો કાર આવીને ઊભી રહી હતી. તેમાંથી બે શખ્સો ઉતરીને વાડીએ આવ્યા અને કુપન સ્ક્રેચ કરવાની તે જ સ્કીમ સમજાવવા લાગ્યા હતા. રમેશભાઈએ કુપન સ્ક્રેચ કરવાની ચોખ્ખી ના પાડી હોવા છતાં, એક શખ્સે તેની જાતે જ કુપન સ્ક્રેચ કરી નાખ્યું હતું અને રૂૂ. 22 હજારની માંગણી કરવા લાગ્યો હતો. રમેશભાઈએ પોતાની પાસે માત્ર 30 રૂૂપિયા હોવાનું કહેતા આરોપીઓએ બળજબરી શરૂૂ કરી હતી. આથી, રમેશભાઈએ તેમના દીકરા નાગજીને ફોન કરીને વાત કરાવતા, દીકરાએ આરોપીઓને ત્યાં જ ઊભા રહેવા જણાવ્યું હતું અને પોતે રૂૂબરૂૂ આવી રહ્યો છે તેમ કહ્યું હતું. દીકરાના આવવાની વાત સાંભળતા જ આરોપીઓ ગભરાઈ ગયા હતા અને ‘જો અત્યારે રૂૂપિયા નહીં આપો તો સાંજે આવીને 40 હજાર લઈ જઈશું’ તેવી ધમકી આપીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

આમ, મહિકા ગામના સીમ વિસ્તારમાં સવારના સમયે ખેડૂતોની એકલતાનો લાભ ઉઠાવીને આતંક મચાવતી આ કુપન ગેંગ સક્રિય થતાં ખેડૂત આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આજીડેમ પોલીસે બંને પ્રૌઢ ખેડૂતોની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના આધારે આ ગેંગના ચાર સાગરીતોને દબોચી લીધા છે.