જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં બળજબરીપૂર્વક વીજ થાંભલા ઉભા કરવાના નિર્ણય સામે સ્થાનિક ખેડૂતોએ પોતાના હક અને અધિકાર માટે ઉગ્ર આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. આ વિરોધના ભાગરૂૂપે ગામમાં આવેલ શ્રી રામદેવપીરજી મહારાજ મંદિર પાસે ’કિસાન સત્યાગ્રહ છાવણી’ ઊભી કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક સરપંચ સહિત 7 લોકોએ તંત્ર સામે અન્યાયનો વિરોધ નોંધાવતા અન્નનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસના શ્રીગણેશ કર્યા છે.
આ આંદોલન માત્ર વાવડી પૂરતું સીમિત ન રહેતા આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે લીંબુડા, અણદા, ભાદરા, કેશીયા અને રામપર સુધી પ્રસરી ગયું છે. આ તમામ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચીને પોતાના ભાઈઓને પૂર્ણ સમર્થન જાહેર કરી રહ્યા છે.
જ્યારે ગામના લોકો આ લડતમાં જોડાવા માટે સત્યાગ્રહ છાવણી તરફ રવાના થયા, ત્યારે સમગ્ર વાતાવરણ આંદોલનમય બની ગયું હતું. ગ્રામજનોનું ઢોલ-નગારાના ગગનભેદી નાદ અને પરંપરાગત સામૈયા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પુરુષ ખેડૂતોની સાથે મહિલાઓએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી પોતાના હકો માટે અવાજ બુલંદ કર્યો હતો.
તંત્ર અને વીજ કંપનીઓની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરતા વાવડી ગામના સરપંચ ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, અમે 7 જણા છાવણીમાં બેઠા છીએ અને આજથી અન્નત્યાગ કરીએ છીએ. આ લડતમાં અમે માત્ર ને માત્ર પાણી પર જ રહેવાના છીએ. જ્યાં સુધી આ કંપનીઓ અને તંત્ર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે, ત્યાં સુધી અમે આ છાવણી છોડીને ક્યાંય જઈશું નહીં.
ખેડૂતોએ એકસૂરે તંત્ર અને સંબંધિત વીજ કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અને પ્રશ્નોનું યોગ્ય અને કાયમી નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી આ સત્યાગ્રહ અને અન્નત્યાગની લડત અવિરતપણે ચાલુ જ રહેશે.
