RCBની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલ્યા, બસ પર પથ્થરમારો-ટ્રાફિકજામ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની લાંબા સમયથી રાહ જોવાતી ટ્રોફી જીતે કરોડો ચાહકોને ખુશીથી ઝૂમી ઉઠવા મજબૂર કર્યા. પરંતુ આ ખુશી કેટલાક સ્થળોએ અતિઉત્સાહમાં…

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની લાંબા સમયથી રાહ જોવાતી ટ્રોફી જીતે કરોડો ચાહકોને ખુશીથી ઝૂમી ઉઠવા મજબૂર કર્યા. પરંતુ આ ખુશી કેટલાક સ્થળોએ અતિઉત્સાહમાં ફેરવાઈ ગઈ. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં RCBની જીતની ઉજવણી દરમિયાન કેટલાક ચાહકો દ્વારા રસ્તા પર હોબાળો મચાવવો, ટ્રાફિક રોકવો અને ખાનગી બસમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન અને પોલીસને તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો.

IPL ફાઇનલમાં RCBની જીત જાહેર થતાં જ કુર્નૂલ શહેરમાં મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અને RCB સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. હાથમાં ટીમના ધ્વજ, બેનરો અને પોસ્ટરો લઈને ચાહકો વિજયની ઉજવણી કરી રહ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને વાહનોના કાફલાઓ સાથે ઉજવણી કરવામાં આવી. જે દરમિયાન કેટલાક યુવાનોનો ઉત્સાહ નિયંત્રણ બહાર ગયો હોવાનું કહેવાય છે. ખાસ કરીને રાજુ વિહાર સેન્ટર વિસ્તારમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા ચાહકોએ માર્ગ અવરોધી દીધો હતો, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. મધ્યરાત્રિના સમયે પણ અનેક વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે ઉજવણી કરી રહેલા કેટલાક તોફાની તત્વોએ રસ્તા પરથી પસાર થતી એક ખાનગી બસને રોકી હતી. માહિતી અનુસાર, બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે બસની બારીઓ અને કાચ તૂટી ગયા હતા. કાચ તૂટવાના અવાજથી મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે, કોઈ ગંભીર જાનહાનિ અથવા મોટી ઈજાના અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ બસને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક ફરી શરૂૂ કરવામાં આવ્યો અને સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત થઈ હતી. આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. બસમાં તોડફોડ અને પથ્થરમારામાં સામેલ લોકોની ઓળખ કર્યા બાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.